Gujarat

અમદાવાદના દાણીલીમડામાં 'બાપ' કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બાવા લબલબીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર બાપ સંબોધવા જેવી બાબતે બે પરિવારો આમને-સામને આવી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના દાણીલીમડામાં 'બાપ' કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો

Fight between Two Families in Ahmedabad: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બાવા લબલબીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર બાપ સંબોધવા જેવી બાબતે બે પરિવારો આમને-સામને આવી ગયા હતા. વિગત મુજબ, નઇમ નામના શખ્સે તેની બીજી પત્ની રેશમાના અગાઉના લગ્નથી થયેલા પુત્રને પરાણે 'બાપ' કહેવા દબાણ કર્યું હતું. આ બાબતે રેશમાએ વિરોધ કરતાં મામલો ગરમાયો હતો. ઉશ્કેરાયેલા નઇમે તેની પહેલી પત્ની અકરીમા અને પુત્રો સાથે મળીને રેશમા તથા તેના સગીર પુત્ર પર લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં સગીરને છરી વાગતા અને રેશમાને ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં બંને પક્ષો એકબીજા પર તૂટી પડતા દેખાય છે. બીજી તરફ, નઇમના ભાઈની પત્નીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે નઇમ જ્યારે નાના બાળકને રમાડતો હતો, ત્યારે રેશમાએ ગેરસમજ કરીને ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે રફીક નામના શખ્સે નઇમના ભાઈની પત્નીને પણ પીઠના ભાગે છરી ઝીંકી દીધી હતી. હુમલાખોરોએ જતી વખતે એવી ધમકી પણ આપી હતી કે, "આજે તો છોડી દીધા છે, પણ હવે ઝઘડો કર્યો તો જાનથી મારી નાખીશું."

ભરબપોરે થયેલી આ ગેંગવોર જેવી સ્થિતિને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દાણીલીમડા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ તેજ કરીને આ હિંસક હુમલામાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી રહી છે.