એક જ નામથી ચાલતા ધંધાના કારણે બે વેપારીઓ વચ્ચે મારામારી
એક વેપારીએ બીજાનું ગોત્રીથી અપહરણ કરી બળજબરીથી સમાધાન કરાવી લીધું
વડોદરા,એક જ નામથી મૂવર્સ એન્ડ પેકર્સનો ધંધોકરતા બે વેપારીઓ વચ્ચે ચાલતી હરિફાઇના કારણે અપહરણની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત વેપારીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હરિયાણાના અને હાલ વડોદરાની વાઘોડિયા ચોકડી ખાતે વૈકુંઠ સોસાયટીમાં ૨૮ વર્ષના દુર્ગેશ અશોકકુમાર સીંગ તેમજ મૂળ હરિયાણાના અને વડોદરામાં રહેતો રાહુલ શર્મા એક જ નામથી સામાન શિફ્ટિંગનો વ્યવસાય કરે છે. બંનેના નામ એક જેવા હોવાથી તેઓ વચ્ચે અંદરો-અંદર ઝઘડા થતા હતા.ગઇકાલે રાહુલે અન્ય વ્યક્તિ પાસે કોલ કરાવી દુર્ગેશને ભાયલીની એક સાઈટ ઉપર સામાન શીફ્ટ કરવા માટે બોલાવતા દુર્ગેશ બપોરના સમયે ભાયલી-ગોત્રી રોડ ખાતે પહોંચ્યો હતો. દરમિયાનમાં એક કારમાં રાહુલ તથા તેના સાથી મિત્રો આવી દુર્ગેશને ગાડીમાં નાખીને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા.તેઓ દુર્ગેશને મારતા મારતા ગોત્રી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં દુર્ગેશને ડરાવીને તેની પાસે સમાધાન લખાવી લીધુ હતું કે, મને કોઈએ માર માર્યો નથી અને હું વ્યવસાય બંધ કરીને જતો રહીશ. ત્યારબાદ રાહુલ અને દુર્ગેશના મિત્રો વચ્ચે બોલાચાલી પછી મારામારી થઇ હતી. જેમાં રાહુલને પણ ઈજાઓ પહોંચતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.