ગોત્રી નિલકંઠ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
ગોત્રી નિલકંઠ ગોલ્ડ કોમ્પલેક્સમાં પાર્કિંગના મુદ્દે બે વેપારી વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
સુભાનપુરા ઇલોરાપાર્ક સંતોષી સોસાયટીમાં રહેતો ક્ષિતીજ લલિતભાઇ પટેલની ગોત્રી નિલકંઠ ગોલ્ડ કોમ્પલેક્સમાં ધ હોલ ઓફ સ્પોર્ટ્સ નામની રમત-ગમતના સાધનોની દુકાન છે. કોમ્પલેક્સની મેનેજિંગ કમિટીમાં તે સભ્ય છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત 31 મી તારીખે સાંજે હું મારી દુકાન પર હતો. તે સમયે અમારી દુકાનની નીચેના ભાગે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન ધરાવતા રામભાઇ રમેશભાઇ હિરાણીની પાર્કિંગ બાબતે અવાર -નવાર સિક્યુરિટી તરફથી ફરિયાદ આવતી હોઇ તેઓને સમજાવવા ગયો હતો. તેઓનું ટુ વ્હિલર બહાર નહીં મૂકવા તથા કોમ્પલેક્સમાં અંદર પાર્ક કરવાનું કહેતા તેઓ ગુસ્સે થઇને મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ધક્કા મુક્કી કરી મને ત્રણ લાફા મારી દીધા હતા. તે દરમિયાન પ્રદિપભાઇ તથા અન્ય એક છોકરો આવીને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. મારી બહેન આવતા તેઓએ મારી બહેનને પણ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે રામભાઇ હિરાણીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 31મી તારીખે હું અને મારો દીકરો દુકાનના ઉદ્ઘાટનની તૈયારી કરતા હતા. તે દરમિયાન ક્ષિતીજ પટેલે પાર્કિંગ બાબતે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ક્ષિતીજના બહેન બનેવીએ પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.