દેડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટીની બેઠકમાં ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઝઘડા બાદ મારામારી

રાજપીપળા તા.૫ નર્મદા જિલ્લામાં દેેડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટીની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર મારામારી થતાં વાતાવરણ ગરમાયું હતું. ધારાસભ્યને પોલીસે ધક્કામુક્કી કરી જબરજસ્તીથી જીપમાં બેસાડી રાજપીપળા લઇ જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ધારાસભ્યના સમર્થકોએ પોલીસની ગાડી આગળ સૂઇ જઇ સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ અંગે પોલીસે બંને પક્ષોની અરજી લઇ તપાસ આગળ હાથ ધરી છે.
દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (એટીવીટી)ની બેઠકમાં ચૈતર વસાવાએ કામ બાબતે સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલતા મેં એનો વિરોધ કરતા ચૈતર વસાવાએ મને લાફો મારી કાચનો ગ્લાસ છુટ્ટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે ચૈતર વસાવાએ પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે અક્ષય મંગીલાલ જૈનનો એટીવીટી કમિટિ સભ્ય તરીકે કરેલા સમાવેશ અંગે મેં પ્રશ્ન ઉઠાવી વિરોધ કર્યો હતો. ત્યારે દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ઉગ્રતાથી આવી મારી ફેંટ પકડી મારા કુર્તાના બટન તોડી નાખી મને જોઈ લેવાની ધમકી આપી હતી.
મામલો વધુ ઉગ્ર બને તે પહેલા ચૈતર વસાવાને રાજપીપળા એલસીબી કચેરી ખાતે લઈ જવા માટે પોલીસે ધક્કા મારી પોલીસ વાનમાં જબરજસ્તીથી બેસાડતા ચૈતર વસાવાના સમર્થકો રોષે ભરાઇ પોલીસ વાનની આગળ આવી જતા પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.









