Gujarat

મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી

By GS TEAM
7 Sep 20251 min read
મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી

વડોદરા,મુજમહુડા  વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ આગળ લઇ જવાના મુદ્દે મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે  મારામારી થતા બંને  પક્ષે સામસામે  ફરિયાદ નોંધાવી છે.

મુજમહુડા ભૈરવ નગરમાં ર હેતા સાગર પ્રકાશભાઇ સેંગરે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું અને મારી પત્ની મુજમહુડા ખાતે રાજા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. અમે જમીને ભૈરવનગર મહોલ્લાના ગણેશજીના વિસર્જનની યાત્રા જોવા  માટે ગયા હતા. તે સમયે અમારા મહોલ્લામાં રહેતો દિલીપ નારાયણભાઇ સેંગરે મારી સાથે ઝઘડો કરી લાફો મારી દીધો હતો. તેની બાજુમાં ઉભેલા રાજેન્દ્ર, હિતેશ તથા પાર્થે પણ મને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે  રાજેન્દ્ર ઉર્ફે  રાજા નારાયણભાઇ સેંગરે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે અમારા મહોલ્લાના ગણેશજીની સવારી લઇને અમે નીકળ્યા હતા. મુજમહુડા રોડ પર ટ્રાફિક જામ થતા અમારા મંડળની મૂર્તિ પાછળ રહી ગઇ હતી અને રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેથી, મેં મંડળના આયોજક વિજય સાવંતને મૂર્તિ આગળ લઇ જવા કહેતા તેમણે ઉશ્કેરાઇને મારા  પર હુમલો કર્યો હતો. તેનું ઉપરાણું લઇને વિરાજ, સાગર સેંગર તથા પ્રેમે પણ મારા  પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.