હરિનમન સોસાયટી વિસ્તારનો ચકચારી બનાવ : શ્વાન બાબતે થયેલી જૂની અદાવતમાં એકબીજા પર પથ્થરમારો કરવા સાથે નિર્લજ્જ હુમલો : જાનથી મારી નાખવાની ધમકી
જસદણ, : જસદણના ચિતલીયા રોડ પર આવેલી હરિનમન સોસાયટીમાં રખડતા શ્વાન બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભાજપના નગરસેવિકા અને પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનામાં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ સહિતના મામલે પોલીસે બન્ને પક્ષે ૭ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રથમ ફરિયાદમાં જસદણ નગરપાલિકાના મહિલા કાઉન્સિલર (નગરસેવિકા) માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, ગત તા. 30 માર્ચના રોજ શેરીમાં રખડતા કૂતરા બાબતે પાડોશી મનીષભાઈ ડાભી અને એકતાબેન સાથે તેમને બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને ગત સાંજે જ્યારે તેઓ ઘરે એકલા હતા, ત્યારે આરોપીઓએ તેમના પર ઈંટના ઘા કર્યા હતા. ત્રણ શખ્સોએ ભેગા મળી તેમનો મોબાઈલ આંચકી લીધો હતો અને તેમના કપડાં કાઢવાની કોશિશ કરી હતી. આ દરમિયાન બચાવવા આવેલા પાડોશીઓ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.
બીજી તરફ, પાડોશી એકતાબેન મનીષભાઈ ડાભીએ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ અને તેમના પતિ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કોર્પોરેટર સોનલબેનનું પાળેલું કૂતરૂભસવા લાગ્યું હતું. આ બાબતે સમજાવવા જતાં કોર્પોરેટર સોનલબેન, તેમના પતિ તેજસ વસાણી અને અન્ય બે મહિલાઓએ ગાળો આપી હુમલો કર્યો હતો. જેઓએ નણંદનો હાથ પકડીને ઘરમાંથી બહાર ખેંચી કપડાં ઉતારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પથ્થરમારો કરીને ઘરની બારીઓના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું.


