શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા અને દૂષિત પાણી વિતરણને લઈને નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર ૮ અને માં સ્થાનિક રહીશો તેમજ રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા મ્યુનિ. કોર્પોરેશન અને શાસક પક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
૧૪ વોર્ડ નંબર ૮મા સમાવિષ્ટ પ્રિય લક્ષ્મી મિલ ગરનાળા પાસે આવેલી ડો. છગનભાઈની ચાલીમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા મુદ્દે સામાજિક કાર્યકરની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. મ્યુનિ. કોર્પોરેશન સામે સૂત્રોચાર કરતાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગટરના દૂષિત પાણી ઘરોમાં બેક મારી રહ્યા હોવાથી રોગચાળાનો ભય ઊભો થયો છે અને વિસ્તારમાં બીમારીઓ ફેલાઈ રહી હોવાનો દાવો કર્યો હતો. જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
જ્યારે વોર્ડ નંબર ૧૪માં સમાવિષ્ટ વાડી, બાવામાનપુરા, સોની પોળ અને ભાટવાડા વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ વોર્ડ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. કાર્યકરોએ દૂષિત પાણીની બોટલો અધિકારીના ટેબલ પર મૂકી ચોખ્ખું પાણી પુરું પાડવાની માંગ કરી હતી. દૂષિત પાણીના કારણે કોઈ ગંભીર ઘટના બને તો મ્યુનિ. અધિકારીઓ અને મેયર સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. આ દરમિયાન સીટી પોલીસે વિરોધ પ્રદર્શિત કરનાર કોંગ્રેસના પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી.
આ તરફ વોર્ડ નંબર ૮માં સમાવિષ્ટ કરોડિયા ગામના રહીશોએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં ડ્રેનેજની સમસ્યાને લઈ ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની વડી કચેરીએ મોરચો કાઢ્યો હતો. મંજીરા વગાડી વિરોધ નોંધાવતા રહીશો અને મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની સિક્યુરિટી વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. રહીશોનું કહેવું હતું કે, કરોળિયા ગામમાં તેમજ આસપાસની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા દોઢ વર્ષથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. અનેક રજૂઆતો બાદ પણ ડ્રેનેજ લાઇનની સુવિધા ન મળતા ડે. મ્યુનિ. કમિશનરને રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી હતી.


