રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ
સરકારના શિક્ષણતંત્રના મનઘડંત નિર્ણયો સામે શાળા સંચાલકો-શિક્ષકો ખફા : સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાઓમાં તા. 10 ઓગ.ના વિશ્વ સિંહ દિનની ઉજવણી કરવાનો શિક્ષણ નિયામકનો પરિપત્ર : રજાના દિવસોમાં ઉજવણીના કાર્યક્રમોથી નારાજગી
પોરબંદર, : દર વર્ષે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત આ વખતે 10મી ઓગસ્ટના રવિવાર છે. જેથી શાળાઓમાં રજા હોય છે. પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા 11 જેટલા જિલ્લામાં રવિવારે રજાના દિવસે પણ શાળા ચાલુ રાખીને વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો પરિપત્ર રાજ્યના સંયુકત શિક્ષણ નિયામકે બહાર પાડતા આશ્ચર્ય સાથે ચર્ચાઓ ચાલી છે.
ગુજરાત રાજ્યના માધ્યમિક સંયુકત શિક્ષક નિયામકે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલ્યો છે. જેમાં આ વર્ષે પણ તા.10-08-2025 ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કાર્યક્રમ હાથ ધરવાનું આયોજન કરાયું છે, આથી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગર સહિત કુલ ૧૧ જિલ્લાઓ તેમજ તાલુકાઓની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણાધિકારીઓને જે તે જિલ્લાના નાયબ વન સંરક્ષકના સંકલનમા ંરહી વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં જરૂરી સહયોગ આપવા તથા જિલ્લાઓની તમામ શાળાઓ ચાલુ રાખી શિક્ષકો અને વિદ્યાર્થીઓને સહભાગી થવા સંબંધિત જિલ્લાઓને વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના પરિપત્ર સામે સ્વાભાવિક રીતે જ શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓમાં પણ રોષ દેખાઇ રહ્યો છે. સરકાર દ્વારા મન પડે તેવા પરિપત્રો બહાર પાડીને રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને બોલાવવાની આ કાર્ય પધ્ધતિ તદ્દન અયોગ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે.