સિવિલ હોસ્પિટલ ચોકમાં વકીલો અને ટ્રાફીક બ્રાંચના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી
કોર્ટ બહાર પાર્ક વકીલોની કારને લોક કરાતા ટ્રાફીક પોલીસ કહે છે જ્યુડીશ્યલ ઓફિસરની સૂચનાથી ઝુંબેશ કરી છે, વકીલો કહે છે પાર્કિંગની પૂરતી જગ્યા નથી એટલે કોર્ટ બહાર વાહન પાર્ક કરવા પડે છે : ટ્રાફીક ડ્રાઇવનો હેતુ ટ્રાફીકની સમસ્યાને કારણે હોસ્પિટલ આવતા દર્દીઓ અને સગાઓ હેરાન ન થાય તે માટેનો છે.
રાજકોટ, : રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં ફોજદારી કોર્ટની બહાર પાર્ક ડઝનેક વકીલોની કારને ટ્રાફિક પોલીસે લોક કરી દેતા આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ અંગે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી છે.
ટ્રાફિક બ્રાંચના સુત્રોએ જણાવ્યું કે જ્યુડીશ્યલ ઓફિસરોએ કોર્ટ બહાર નો પાર્કિંગમાં ઉભા રહેતા વાહનો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના પગલે આજે હોસ્પિટલ ચોકમાં ઉભી રહેતી ઇકો, રીક્ષાઓ અને તુફાન વગેરે સામે ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ફોજદારી કોર્ટની બહાર વકીલોની કાર પણ નો પાર્કિંગમાં ઉભી હતી જેથી તેને ક્રેઇનના સ્ટાફે લોક મારી દીધા હતા.
આ વાતની જાણ થતાં જ વકીલો નારાજ થયા હતા. તત્કાળ હોસ્પિટલ ચોકે ધસી આવ્યા હતા.તે સાથે જ ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. વકીલોએ તેમને નજીકમાં જ પડેલી અને પોલીસ લખેલી એક ઇકો કાર ઉપરાંત બીજા વાહનો દેખાડી તેમાં લોક કેમ નથી કર્યા ? તેવો સવાલ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં તત્કાળ આ તમામ વાહનોને પણ પોતાની કારની જેમ લોક કરવાની માગણી કરી જીદ પકડી હતી. જેના પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.
આ ઘટનાક્રમને પગલે નો પાર્કિંગમાં ઉભેલી ઇકો અને રીક્ષા સહિતના વાહનના ચાલકો ત્યાંથી ભાગી ગયા હતા. વકીલોએ જણાવ્યું કે કોર્ટમાં પાર્કિંગની પૂરતી સુવિધા ન હોવાથી વકીલો અને પક્ષકારોએ ના છૂટકે કોર્ટની બહાર વાહન પાર્ક કરવા પડે છે. આ ઉપરાંત કોર્ટની બહાર અનેક વાહનો નો પાર્કિંગમાં ઉભા રહે છે. જેની સામે ટ્રાફિક પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી.
મોડી સાંજે ટ્રાફિક પોલીસે જારી કરેલી યાદીમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેઇટ, હોસ્પિટલ ચોક અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૪૩ વાહનો ડીટેઇન કરી ૭૯ એનસી કેસો કરવામાં આવ્યા છે. કુલ રૂા. 51,900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને નો પાર્કિંગમાં વાહનો પાર્ક નહીં કરવા અને બ્રીજની નીચે પાર્કિંગ એરીયામાં પાર્ક કરવા વારંવાર સમજાવટ કરાય છે તેમ છતાં રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવે છે. આગામી દિવસોમાં પણ હોસ્પિટલ ચોક, સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેઇટ અને સિવિલ કોર્ટની આજુબાજુના વિસ્તારમાં નો પાર્કિંગની ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. એટલું જ નહીં વાહન ચાલકો વિરૃધ્ધ સખત પગલા લેવામાં આવશે.
આજની ઘટનામાં વકીલોએ ટ્રાફીક બ્રાંચના અધિકારીઓને એમ પણ જણાવ્યું કે હવે માત્ર બે મહિના જ છે, ત્યારબાદ કોર્ટનું સ્થળાંતર થઇ જશે.વકીલ સુત્રોએ એમ પણ જણાવ્યું કે આજના ઘટનાક્રમ બાદ પોલીસે વકીલોની કાર પર લગાડેલા લોક ખોલી નાખ્યા હતા. જ્યારે ટ્રાફિક પોલીસે જણાવ્યું કે આજે વોર્નિંગ આપી વકિલોની કારના લોક ખોલી નખાયા હતા.