જીએસએફસી કંપની સામે છૂટા કરાયેલા 120 કામદારોનું ઉગ્ર આંદોલન
આંદોલનકારીઓએ કંપનીના આઠ ગેટને તાળાબંધી કરતા કર્મચારીઓ પુરાયા
છેલ્લા 8 માસથી પગાર ન ચૂકવાતા કામદારોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની
જીએસએફસી કંપનીમાં ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીનમાં વર્ષ 2001થી કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને વર્ષ 2020થી છૂટા કરવામાં આવ્યા હતા. જોકે ફેબ્રુઆરી 2025 સુધી તેમને પગાર આપવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 8 માસથી પગાર ચૂકવણી બંધ થતા કામદારોના પરિવારો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.
આ મામલે કામદારો કોર્ટનો દરવાજો ખટખટાવતા કોર્ટ દ્વારા તેમને છૂટા ન કરવા અને નિયમિત પગાર ચૂકવવા આદેશ અપાયો હતો, છતાં પણ કામદારોની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. જેના વિરોધમાં છૂટા કરાયેલા કામદારોએ જીએસએફસી કંપનીના મુખ્ય ગેટ પર છેલ્લા એક મહિનાથી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં આંદોલન શરૂ કર્યું હતું. ગઈકાલે દશરથ ગામ સ્વયંભૂ બંધ રહ્યા બાદ આજે આંદોલન ઉગ્ર બનતા દશરથ ગામ તેમજ આસપાસના સાત ગામોના લોકો જોડાયા હતા. સવારે નવ વાગ્યાથી કંપનીના કુલ આઠ ગેટના તાળાબધી કરાતા કર્મચારીઓ બહાર પણ નીકળી શક્યા ન હતા. આંદોલનને સમર્થન આપવા ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પંચાયત સભ્યો તેમજ આસપાસના ગામોના સરપંચો પણ જોડાયા હતા. આંદોલન દરમ્યાન મહિલાઓએ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ હાય બોલવી, છાતી કૂટી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ ઉગ્ર ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, કામદારોએ કોર્ટ સમક્ષ દાદ માંગતા કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને તેઓને વેતન ચૂકવવાનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો દાવો હાલ પેન્ડિંગ છે.