કપડવંજમાં વીજ પોલ ઉપર લગાવેલા ફાઈબરના વાયરો તંત્ર દ્વારા દૂર કરાશે
- ખાનગી ઓપરેટરો દ્વારા કેબલ અને ઈન્ટરનેટ કનેક્શન માટે
- અગાઉ સમજોતાનગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું : વીજ પ્રવાહ ઉતરતા ગંભીર અકસ્માતનો ભય
કપડવંજમાં એમજીવીસીએલના વીજ પોલ ઉપર ખાનગી કેબલ તેમજ વાઈફાય ઈન્ટરનેટ કનેક્શન માટેના ઓપ્ટિકલ ફાઈબરના આડેધડ વાયરો લગાવી દેવાયા છે. મંજૂરી વગર આડેધડ લગાવેલા ખાનગી કેબલોના કારણે શોર્ટસર્કિટનો ભય રહે છે. અગાઉ સમજોતા નગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત બસ સ્ટેશન પાછળ કાલી બસ્તીમાં લટકતા ખાનગી કેબલને કારણે વીજ પ્રવાહ પસાર થતો હતો જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં આડેધડ લટકતા ખાનગી કેબલોના લીધે શોર્ટસર્કિટથી લોકોના વીજ ઉપકરણો તેમજ અકસ્માત થવાની ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો નગરજનો કરી રહ્યા છે. કપડવંજ નગરમાં ગેરકાયદે લગાવેલા ખાનગી કેબલો વીજ તંત્રના અધિકારીઓને કેમ દેખાતા નહીં હોય કે મીલીભગતથી લગાવાયા હશે તેવા આક્ષેપો સાથે કોઈ જીવલેણ અકસ્માત પહેલા ખાનગી કેબલો દૂર કરવા માંગણી ઉઠી છે. કપડવંજ એમજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર શૈલેષ કડિયાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે ખાનગી કેબલો બધે લગાવે છે, કપડવંજના એમજીવીસીએલના વીજ પોલ ઉપર ક્લેમ્પ લગાવી જે ઓપ્ટિકલ ફાઈબર, ઈન્ટરનેટ સહિતના ખાનગી કેબલો લગાવેલા છે તે ધીમે ધીમે હટાવી દઈશું.