ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો

કૃષિ
મેળાના સ્ટોલ પણ ખાલીખમ નજરે પડયા
બે
દિવસ ચાલનારો મેળો એક કલાકમાં આટોપી લેવાયો,
ભોજન સમારંભ પુરો થતા ખેડૂતોએ ચાલતી પકડી
ધ્રાંગધ્રા -
રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં ખેડૂતોને નવીતમ ખેતી માટેની પધ્ધતિ દર્શાવામાં આવે છે જે
અંતર્ગત ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ રવિ કૃષિ મેળાનું તા.૧૪ અને ૧૫
ઓક્ટોબર બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે.
કૃષિ
મેળો પ્રારંભ થયાના માત્ર એક કલાકમાં જ પૂર્ણ થઈ ચૂક્યો હતો. ધ્રાંગધ્રા
માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવેલ આ કૃષિ મેળામાં કુલ ૮ સ્ટોલ નાખવામાં આવ્યા
હતા. જ્યારે સવારે કૃષિ મેળો શરૃ થતા તમામ સ્ટોલ પર ખેડૂતને નવીનતમ ખેતીની પધ્ધતિ
દર્શાવામાં આવી હતી. ત્યારબાદ આગેવાનો અને ધારાસભ્ય સહિતનાઓ દ્વારા રવિ કૃષિ મેળો
ખુલ્લો મુકવાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી
હતી. જે ભોજન શરૃ થતા તમામ ખેડૂતો ભોજન માટે ગોઠવાઈ ગયા હતા જયારે બીજી તરફ કૃષિ
મેળો ખાલીખમ જોવા મળ્યો હતો. માત્ર એટલું જ નહીં કૃષિ મેળાના મોટાભાગના સ્ટોલ પણ
કાર્યક્રમના એક કલાક બાદ ખાલી થઈ ચૂક્યા હતા. જેને લઇ બે દિવસ ચાલનારો કૃષિ મેળો
એક કલાકમાં જ આટોપી લેવાતા ધ્રાંગધ્રા તાલુકાના કૃષિ મેળાનો ફિયાસ્કો થયો હતો.