Gujarat

વઢવાણમાં જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરીથી ફિયાસ્કો

By GS TEAM
14 Oct 20252 mins read
વઢવાણમાં જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરીથી ફિયાસ્કો

સાંસદ સહિત જિલ્લાના પાંચ ધારાસભ્યની સૂચક ગેરહાજરી

કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે કૃષિ મહોત્સવમાં આંગણવાડી બહેનોને બેસાડવામાં આવી

સુરેન્દ્રનગરવઢવાણમાં જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરીથી ફિયાસ્કો થયો છે. સાંસદ સહિત જિલ્લાના પાંચ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય આગેવાનોને જ જાણે કૃષિ મહોત્સવમાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે. કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે કૃષિ મહોત્સવમાં આંગણવાડી બહેનોને બેસાડવામાં આવી હતી.

વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ખેડૂતો ખેતીની નવી પદ્ધતિ અને નવા ખેત સાધનો તેમજ ખેડૂત ઉપયોગી સરકારી યોજનાથી માહિતગાર થઈ તેનો મહતમ લાભ લે તેવા હેતુથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમના ઈ-નિમંત્રણમાં જે રાજકીય મહાનુભાવોના નામો લખવામાં આવ્યા હતા તે પૈકી મોટાભાગના રાજકીય આગેવાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવા છતાં ગેરહાજર રહ્યા હતા. 

 

સાંસદ સહિત તમામ ધારાસભ્યો ગેરહાજર રહેતા ચર્ચાઓ

રવિ કૃષિ મહોત્સવની ઈ-નિમંત્રણ પત્રિકામાં અતિથિ વિશેષ તરીકે લખેલ લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર અને પ્રકાશ વરમોરાની પણ પ્રેરક ઉપસ્થિતિ દર્શાવવામાં આવી હતી છતાં એકપણ ધારાસભ્ય કાર્યક્રમમાં ફરકયા પણ નહોતા અને એકંદરે કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો હોય તેવો ઘાટ સર્જાયો હતો.

 

કૃષિ કાર્યક્રમમાં ખેડૂતોની પાંખી હાજરી

રવિ કૃષિ મહોત્સવ સામાન્ય રીતે ખેડૂતો માટેનો કાર્યક્રમ અને મહોત્સવ છે પરંતુ વર્ષોથી યોજાતા રવિ કૃષિ મહોત્સવમાં હવે ખેડૂતોને પણ રસ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં જિલ્લા કક્ષાના રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી. તો બીજી બાજુ કાર્યક્રમમાં ભીડ દેખાડવા તંત્ર દ્વારા આંગણવાડી બહેનોને પણ બોલાવવામાં આવી હતી.

 

રવિ કૃષિ મહોત્સવ પાછળ લાખોનો ખર્ચ કરવા છતાં ખેડૂતોમાં નારાજગી

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રવિ કૃષિ મહોત્સવ પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાંય ખેડૂતોના નુકશાની અંગે પૂરતું વળતર, પાકના પોષણક્ષમ ભાવ, સિંચાઈ માટે પાણી સહિતના પડતર પ્રશ્નોનો કોઈ જ ઉકેલ ન આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોને જ હવે રવિ કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમોમાં રસ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.