Gujarat

વિકરાળ સિંહણે વૃધ્ધાને મોતને ઘાટ ઉતાર્યાં : બે પગ ખાઇને નાસી ગઇ

By GS TEAM
30 Jul 20253 mins read
વિકરાળ સિંહણે વૃધ્ધાને મોતને ઘાટ ઉતાર્યાં : બે પગ ખાઇને નાસી ગઇ

ડોળાસાના કાણકિયા ગામની ઘટનાથી લોકોમાં ફફડાટ : વહેલી સવારે વૃધ્ધા બાથરૂમ તરફ જતા હતા ત્યારે બચ્ચાં સાથેની સિંહણે ત્રાટકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ શબને 100  ફૂટ ઢસડી ગઈ 

ડોળાસા, : ડોળાસા નજીકના કાણકીયા ગામે રૂપેણ નદીના સામે કાંઠે આવેલા નવાપરા વિસ્તારમાં ઘરના ફળિયા ઘૂસી સિંહણે વૃધ્ધાને ફાડી ખાતાં લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બનાવની વિગત એવી છે કે ગીર ગઢડા તાલુકાના કાણકીયા ગામે નવાપરા વિસ્તારમાં પૂરણદાસ આત્મારામ દેશાણી અને તેમના પત્ની કમળાબેન ત્રણ વિવાહીત પુત્રો અને તેમનો પરિવાર સયુંકત કુટુંબમાં રહે છે. આ પરિવાર કાણકીયા ગામને પાન બીડી દુકાન ધરાવે છે. આ ઉપરાંત છૂટક મજૂરી દ્વારા ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારના આશરે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન કમળાબેન (ઉ.વ.૫૯) જાગી ગયા અને ઘરનો દરવાજો ખોલી અને ફળિયામાં આવેલા બાથરૂમ તરફ જતા હતા. ઝાંખા પ્રકાશના કારણે તેમની સામે આવી રહેલી સિંહણ અને અને બચ્ચા નજરે ન ચડયા ન હતા.કમળાબેન સિંહણની નજીક પહોંચી જતા સિંહણે કમળાબેન પર જીવલેણ હુમલો કરતા ગળું પકડી લીધું અને થોડીવારમાં તેમનું મૃત્યુ થયું બાદ સિંહણ તેમનું શબ ફળિયામાં સો ફૂટ દૂર ઢસડી ગઈ અને અહી બંને પગ ખાઈને જતી રહી હતી. 

સાડા ચાર વાગ્યે તેમના પુત્રવધૂ જાગ્યા હતા. તેણે જોયું તો દરવાજો ખુલ્લો હતો તેથી તેમ માન્યું કે માજી વોશ રૂમ ગયા છે. બાદ ફળિયામાં આવી નજર કરી તો માજીએ ઓઢેલી શાલ, લોહીનું ખાબોચિયું જોવા મળ્યું હતું. થોડે દૂર ચપ્પલ પડયા હતા. કંઇક અજુગતું બની ગયાની શંકા જતા ઘરના સભ્યોને જગાડયા હતા. સૌને શંકા ગઈ કે કોઈ જંગલી જાનવર માજીને ઢસડી ગયું છે. એટલે સૌ આજુબાજુમાં તપાસ કરવા લાગ્યા. આ દરમ્યાન એક ભાઈની નજર ફળિયામાં સામેના ભાગે નજર કરતા ત્યાં માજીનો પગ વગરનો મૃતદેહ નજરે ચડયો હતો. તુરંત ગામના મહિલા સરપંચને ફોનથી જાણ કરતા સરપંચના પ્રતિનિધિ તુરંત ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવીને ગીર પૂર્વ વન વિભાગ જશાધાર રેન્જને જાણ કરાતાં આરએફઓ એલ.બી.પરમાર સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. એક ટીમ સવારના સાત વાગ્યા આસપાસ કાણકીયા ઘટના સ્થળે પહોંચી હતી. ગીર ગઢડા પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.  પાંજરૂ ગોઠવી માનવભક્ષી પ્રાણીને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી છે.

રોજ પશુ મારણ કરતા હિંસક પશુના હવે માનવ પર હુમલા વધ્યા

ગામ લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બચ્ચાવાળી સિંહણ અને ત્રણથી વધુ દીપડાનો વસવાટ છે. ઊના-ગીરગઢડા બંને તાલુકાના ગામોમાં વન્ય પ્રાણીના હુમલાના બનાવ વધ્યા હોવાથી લોકો સતત ભયના માહોલમાં રહે છે. ડોળાસા વિસ્તારનાં ગામડાઓમાં ગામમાં ઘૂસી સિંહો, દીપડાઓ જેવા હિંસક રાની પશુઓ રોજે રોજ ઢોરનું મારણ કરી રહ્યા છે. હવે તો આ રાની પશુઓ માનવભક્ષી બનવા લગતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ડોળાસા વિસ્તારમાં મોટી સંખ્યામાં જંગલી જાનવરોને ધામાં નાખ્યા છે. લોકો ડરી - ડરીને સીમમાં કામે જાય છે. જંગલખાતું તુરંત આ રાની પશુઓને ગીર જંગલમાં નહીં લઈ જાય તો આવી ઘટનાઓ રોજિંદી બની જશે.