દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક
બાળાને મોઢે ડૂચો દઇ પોટલું વાળી ઝોળીમાં લઇ જતો હતો : શેરીમાં રમતાં બાળકોએ લતાવાસીઓને જાણ કરતાં સૌએ મળી સાધુનું પોટલું ચેક કરતાં બાળા મળી આવી
દ્વારકા,: અહી ત્રણ દિવસ પહેલા બાવાસાધુ સ્વાંગમાં નીકળેલા એક શખ્સે નાસ્તો લેવા દુકાન તરફ જઇ રહેલી આઠ વર્ષીય બાળાને મોઢે ડૂચો મારી એક પોટલામાં વીંટાળી થેલીમાં નાખી નાસવા જતો હતો ત્યાં દેકારો થઇ જતાં લોકોએ સાધુને પકડી મેથીપાક આપી લમધારી નાખ્યા બાદ પોલીસ હવાલે કરી દીધો હતો.
યાત્રાધામ દ્વારકામાં ત્રણ દિવસ પહેલા એક ચકચારી કિસ્સો બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દ્વારકા નરસન ટેકરી મચ્છીપીઠ માર્કેટ પાસે તારીખ 13/ 7 ના સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ એક પરીવારની સગીર વયની આઠ વર્ષની બાળકી તેમના ઘરથી થોડી દૂર નાસ્તો લેવા ગયેલ હતી. ત્યારે ત્યાં એક સાધુના વેશમાં આવેલ શખ્સ એ આ બાળકીને મૂંગો દઈ એક પોટલામાં વીંટી અપહરણ કર્યું હતું. ત્યાં રમતા બાળકોને ધ્યાને જતા આજુબાજુના લતાવાસીઓને જાણ કરાય હતી. ક્યારે ત્યાંના લોકોને આ સાધુ ઉપર શંકા જતા તેના હાથમાં રહેલ પોટલું ચેક કરતા તેમાંથી એક બાળકી બેહોશ હાલતમાં નીકળી આવી હતી. આ બાળકીને તેમના પરિવાર હોસ્પિટલ સારવાર માટે ખસેડેલી હતી. તેમજ ત્યાંના લોકોએ પ્રથમ તો તે સાધુને મેથીપાક ચખાડયો હતો. ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. આ આરોપી સતીશ પ્રકાશ ગુરવ (ઉ.વ 41, રે. સાતારા મહારાષ્ટ્ર)એ સગીર વયની દીકરીની આબરૂ લેવાના બદઇરાદે અપહરણ કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. જે અંગે દ્વારકા પોલીસે તત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવેલ હતો. આ ચકચારી કિસ્સોથી શહેરમાં ઉહાપોહ મચી ગયેલ.