Gujarat

ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ

By GS TEAM
3 Jun 20262 mins read
ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ

જેતપુરની ઘટનામાં પોલીસને સફળતા, રિમાન્ડ મંજૂર

સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી લાખો રૂપિયાનો તોડ કરતી ટોળકીના અન્ય 10 સાગરીતોના નામો ખુલ્યા

જેતપુર: સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને પ્રેમજાળમાં ફસાવી, બાદમાં પોલીસ કેસની ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરતી કુખ્યાત હની-ટ્રેપ ગેંગનો જેતપુર સીટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજભાઇ ગીણોયા (રહે. રાજકોટ, મૂળ જામનગર)ને પકડી પાડીને રિમાન્ડ પર લઈ પુછતાછ કરતા અન્ય બે મહિલા સહિત ૧૦ સાથીદારોના નામ ખુલ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હનિ-ટ્રેપ ગેંગની યુવતીઓ સોશિયલ મીડિયા દ્વારા ધનિક વેપારીઓ સાથે વાતચીત વધારીને તેમને મળવા બોલાવતી હતી. ભોગ બનનાર વ્યક્તિ જ્યારે મળવા પહોંચે, ત્યારે યુવતીના પુરુષ સાથીદારો ત્યાં ભાઈ અથવા પતિ તરીકે ખોટી ઓળખ આપીને આવી ચડતા હતા. ત્યારબાદ તેઓ ભોગ બનનારને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કેસ ન કરવાના બદલામાં મોટી રકમ પડાવતા હતા. 

પોલીસ તપાસમાં આ હની-ટ્રેપ નેટવર્કમાં પ્રિયંકા ગીણોયા ઉપરાંત અન્ય ૧૦ સાગરીતોમાં રાજકોટના વિપુલ ઉર્ફે નાગરાજ ભરવાડ, સવજી ઉર્ફે સાગર ઠુંગા, જાનવીબેન ઉર્ફે જાનુ પંચોલી, પૂજાબેન સિધ્યુરા, ગોપાલ ગીરધરભાઇ સિદ્ધપુરા, વિજય ઉર્ફે જાડિયો જોગડીયા, વિશાલ ઉર્ફે રાધે પરમાર, રોહિત વીરજીભાઇ રાઠોડ તથા અમરેલીના આશિષ જયસુખભાઇ વેકરીયા અને નીલેશ કનુભાઇ ચૌહાણના નામ ખુલ્યા હોવાનું પીઆઈ એ.ડી. પરમારે જણાવીને આ ટોળકીનો ભોગ બનેલા અન્ય નાગરિકોએ પણ નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

- ભૂતકાળના ગુનાઓ અને ગેંગની અન્ય કબૂલાત 

આરોપી પ્રિયંકા સામે અગાઉ જેતપુર, જામકંડોરણા અને ભેસાણ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. આ સાથે પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે તેઓએ છેલ્લા ૧૫ મહિનામાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ, વાંકાનેરના વેપારી અને રાજકોટ-જેતપુરના કારખાનેદારોને ખોડલધામ (કાગવડ) તેમજ ગોંડલ ખાતે બોલાવીને શિકાર બનાવ્યા હતા.