મહુવાના મોણપર ગામ નજીક યુવક પર આઠ શખ્સોએ હુમલો કર્યો હતો
જિલ્લા પોલીસવડાએ બગદાણા પીઆઈને લીવ રિઝર્વમાં મુકી મહુવા ટાઉન પીઆઈને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી
આરોપીઓનું ક્રાઇમ રિ-કન્સ્ટ્રક્શન કરાયું
મહુવા તાલુકાના બગદાણા ગામે રહેતા નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધિયા પર ગત તા.૨૯-૧૨ની મોડી રાત્રિના મહુવાના મોણપર ગામ નજીક આઠ શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં આઠ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પીડિત યુવક નવનીતભાઈએ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના દોરી સંચારથી આ હુમલો થયાનો આક્ષેપ કર્યો હતો. તેમજ તેણે બગદાણા પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યાં હતા. બીજી તરફ દારૂના અને માટીના ધંધાની બાતમી આપ્યાની શંકાએ આઠ શખ્સોએ નવનીતભાઈ પર હુમલો કર્યો હોવાનું મહુવા ઈન્ચાર્જ ડીવાયએસપીએ ગતરોજ જણાવ્યું હતું. જે બાદ આજરોજ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલા આઠેય આરોપીઓને ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેમજ આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઉપરાંત આ મામલે રાજકારણ ગરમાતા જિલ્લા પોલીસવડાએ ખાતાકીય કારણ ધરીને તાત્કાલિક અસરથી બગદાણા પીઆઈ ડી.વી.ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે આ કેસની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે માયાભાઈના પુત્રનો ટેલિફોનિક થઈ શક્યો નહોતો.
આ કેસમાં કોઈને પણ છોડવામાં નહી આવે : એસપી
આ મામલે જિલ્લા પોલીસવડા નિતેષ પાંડેયે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી કોઈ વાત જ નથી. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ, સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી કેમેરાના આધારે પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે કોઈને પણ છોડવામાં નહી આવે.
પીડિતના સનસનીખેજ આક્ષેપો
મુંબઈના કાર્યક્રમમાં બગદાણાના મેનેજીંગ ટ્રસ્ટીના નામ મુદ્દે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને ફોન કરીને જણાવ્યું હતું અને તેમણે સોશિયલ મીડિયામાં ભૂલ સ્વીકારતો વીડિયો શેર કર્યો હતો. તેની દાઝે માયાભાઈના પુત્રએ આ હુમલો કરાવ્યો હોવાનો અને પોલીસે તેમના કહેવા પ્રમાણે ફરિયાદ નહી નોંધી હોવાના સનસનીખેજ આક્ષેપો કર્યાં હતા.


