પીઝા સ્ટોરમાં સાથી મહિલા કર્મચારીએ રૃા.૭૩ હજારના દાગીના ચોરી લીધા
ગાંધીનગર નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે
મેનેજર પર્સમાં દાગીના મૂકી દેવા કહેતા મહિલા કર્મચારીની હાજરીમાં મૂક્યા હતાઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે પીઝા સ્ટોરમાં કામ કરતી મહિલાના દાગીના અને રોકડ પર્સમાં મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન સાથી મહિલા કર્મચારી દ્વારા ૭૩ હજાર રૃપિયાની કિંમતની આ ચીજ વસ્તુઓ ચોરી લેવામાં આવી હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ડોમિનોઝ પિઝા સ્ટોરમાં અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતી
અંજુ ધવલશાહ વર્મા નોકરી કરે છે અને તેની સાથે ઝુંડાલ ગામની રિદ્ધિ સુનિલભાઈ ઠાકોર
પણ કામ કરતી હતી. ગત સોમવારના રોજ અંજુ નોકરી ઉપર આવી હતી તે દરમિયાન બપોરના સમયે
તે પીઝા બનાવવાનું કામ કરતી હતી. આ દરમિયાન મેનેજર દ્વારા તેણે હાથમાં પહેરેલી
વીટીઓ અને અન્ય દાગીના તેના પર્સમાં મૂકી દેવા માટે કહ્યું હતું. જોકે અંજુ તેના
પર્સમાં દાગીના અને રોકડ મૂકી રહી હતી તે સમયે સાથી કર્મચારી રિદ્ધિ ઠાકોર પણ તેની
સાથે હાજર હતી. આ દરમિયાન બીજા દિવસે અંજુએ તેનું પર્સ ખોલ્યું હતું અને તેમાં
જોયું તો પર્સમાં રૃપિયા અને દાગીના જણાયા ન હતા. જેના પગલે તેણે તુરંત જ મેનેજરને
આ સંદર્ભે જાણ કરી હતી અને ત્યારબાદ રિદ્ધિનો સંપર્ક કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ
આવતો હતો. એટલું જ નહીં તે તે દિવસથી સ્ટોર ઉપર પણ આવી ન હતી. જેથી તેના દ્વારા જ
આ ચોરી કરવામાં આવી હોવાની શંકાને પગલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી
છે. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.