વડોદરામાં મહી નદીમાં કોર્પોરેશનના ફ્રેન્ચ કુવા સુધી રેતી ઉલચતા કુવાના પાયાને નુકસાન થવા ભય
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ફ્રેન્ચ કુવાઓ આસપાસ પહોંચી જઈને ઘણી વખત રેતી મેળવવા મશીન મૂકીને રેતી ઉલેચવામાં આવતી હોવાથી ફ્રેન્ચ કુવાના પીલરના પાયાને નુકસાન થવાનો ભય રહે છે.
અગાઉ કોર્પોરેશને સંબંધિત વિભાગોને પત્ર લખીને ફ્રેંચ કુવાઓની આશરે 75 મીટરની ત્રિજ્યામાં રેતી ખનન કરવાની કામગીરી કોઈ કરે નહીં તેવી સૂચના આપવા જણાવ્યું પણ હતું. આમ છતાં અવારનવાર નદીમાંથી રેતી ઉલચવા માટે માણસો બોટ અને મશીનરી લઈ ફ્રેંચ કુવા સુધી પહોંચી જતા હોય છે. ફ્રેન્ચ કુવા આસપાસ રેતીખનન કરવાથી રેતીનું પડ ધોવાઈ જવાથી કુદરતી રીતે પાણી ગળાઈને રેડિયલમાં પહોંચે છે તે વિક્ષેપ પામે છે, અને પાણી ગળાતું નથી. નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ધોવાણની સાથે સાથે કુવાની આસપાસ રેતીના થયેલા ખનનના કારણે પાયા નબળા પડી શકે છે.