વડોદરામાં બીએસએનએલ ચાર રસ્તા પર પાણીની ચેમ્બરનું ઢાંકણ અકસ્માત સર્જી દે તેવો ભય
Vadodara : વડોદરા શહેરમાં કોઠી, કુબેર ભવન નજીક, બીએસએનએલ ચાર રસ્તા ખાતે પાણીની ચેમ્બરનું ઢાંકણું ટ્રાફિકથી ધમધમતા રોડ પર છેલ્લા બે દિવસથી જોખમી બન્યું છે. વાહનોની સતત આવ-જા વચ્ચે ઢાંકણ પરથી કોઈ વાહન પસાર થાય છે, ત્યારે લોખંડની આખી પ્લેટ ઊંચી થઈ જાય છે અને તેના કારણે ગંભીર અકસ્માત સર્જવાનો ભય ઊભો થયો છે. ગઈકાલે બે વ્યક્તિ આના કારણે નીચે પડી ગયા હતા. અત્યાર સુધીમાં આવું ત્રીજી ચોથી વખત બન્યું છે. પાણીની લાઈનની ચેમ્બરમા અંદર વાલ્વ ફિટ કરેલું હોય છે. અકસ્માતે કોઈ જો અંદર ખાબકે તો સીધા રામ રમી જાય. છેલ્લા બે દિવસથી આ અંગે કોર્પોરેશનના અધિકારીઓને ધ્યાન દોરવા છતાં કામગીરી થઈ નથી.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ બીએસએનએલ ચાર રસ્તા પર સતત ટ્રાફિક ચાલુ જ હોય છે. કોર્પોરેશનના કમિશનર ,ઇજનેરો અને અધિકારીઓ પણ અહીંથી પસાર થાય છે, પરંતુ તાત્કાલિક કામગીરી કોઈએ કરાવી નથી, તે અચરજ પમાડે છે. કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં ચેમ્બરોના ઢાંકણા તૂટી જવા અને ચેમ્બરો ખુલ્લી રહેવાની ફરિયાદો વધતી જ રહે છે. કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે આજે બપોર બાદ કામગીરી કરવામાં આવશે.