નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ
અગાઉ પણ વરસાદથી સિમેન્ટ તથા અનાજના જથ્થો ભીંજાતા નુકશાન પહોંચ્યું છે
નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રેલ્વે ગોદી ખાતે વરસાદથી અનેક વખત સિમેન્ટ, અનાજ સહિતના માલ સામાનને થતું મોટું નુકશાન અટકાવવા શેડ બનાવવાની માંગ ઉઠી છે.
વડોદરા રેલ્વે ડિવિઝનના સ્ટેશનોનો કરોડો રૂપિયાના ખર્ચે કાયાપલટ થઈ રહ્યો છે. ત્યારે નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે અગાઉ અનેક વખત વરસાદના કારણે સિમેન્ટ તથા અનાજના જથ્થાને નુકશાન પહોંચ્યું હોવાની ઘટનાઓ ઘટી ચૂકી છે. આજે ગોદી ખાતે વિપુલ પ્રમાણમાં સિમેન્ટનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય વરસાદી ઝાપટું પડતા સિમેન્ટના જથ્થા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા દોડધામ થઈ હતી. આ અંગે સામાજિક કાર્યકર્તાનું કહેવું હતું કે, વરસાદ વરસતા ઘણી વખત માલ વહનમાં વિલંબ થાય છે. માલ વહનમાં વિલંબ અથવા માલનો ભરાવો થાય તો રેલ્વે દ્વારા કોન્ટ્રાક્ટ સામે દંડાત્મક કાર્યવાહી પણ થાય છે. વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. ખરેખર નુકશાનીથી બચવા અને કિંમતી સમય બચે તે માટે રેલ્વે વિભાગે અહીં શેડ બનાવવો જોઈએ.