નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય
વોર્ડ નં.-4માં પ્રાથમિક સુવિધાના અભાવે મુશ્કેલી
ડોર ટુ ડોર કચરો ઉપાડવા વાહન પણ આવતું નથી પ્રશ્નોનું નિરાકરણ નહીં તો પાલિકાના ઘરાવોની ચિમકી
નડિયાદ: નડિયાદ શહેરના વોર્ડ નં.-૪માં આવેલા ફેજાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે. કચરો ઉપાડવા સોસાયટીમાં વાહન પણ આવતું નહીં હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. આ બાબતે મહિલાઓની વારંવાર રજૂઆત છતાં મનપા દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લવાતું નથી.
નડિયાદ મહાનગરપાલિકા અમલી બન્યાને આઠ માસ જેટલો સમય થવા છતાં મનપાની કાર્યપ્રણાલીમાં કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી. નડિયાદ શહેરમાં વોર્ડ નંબર ૪માં ફેઝાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘર આગળ રસ્તા પર ભરાઈ રહેતા દુર્ગંધથી લોકો ત્રાસી ગયા છે. મચ્છરો તેમજ ઝેરી જીવ જંતુઓનો પણ ઉપદ્રવ વધવા ઘેર ઘેર બીમારીના ખાટલા છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થામાં કચરો ઉપાડવા આવતા વાહનો સોસાયટીની અંદર આવવાના બદલે મુખ્ય રસ્તા ઉપરથી બારોબાર ચાલ્યા જતા સોસાયટીમાં ગંદકી કચરાના ઢગલા જામ્યા છે.
આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં મનપાના સત્તાધીશો દ્વારા ફેજાન પાર્ક સોસાયટીની ઉભરાતી ગટરોની સાફ-સફાઈ તેમજ અત્યંત બીસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાનું સમાર કામ કરાતું નથી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા સોસાયટીના રહીશો પરેશાન બન્યા છે.
ત્યારે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સોસાયટીની મહિલાઓએ રેલી કાઢી મહાનગરપાલિકાને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.