ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય
- વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન
- ચીફ ઓફિસર અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઓફિસમાં આવતા હોવાથી કામો નહીં થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ડાકોર નગરમાં ગટરો ઉભરાવાની સમર્યા બેકાબૂ બની છે. ડાકોર પાલિકાના વોર્ડ નં.-૬માં ગટરોના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે. આ અંગે તા. ૧૨-૯-૨૦૨૫ના રોજ ટેલીફોનિક રજૂઆત કરતા આવું તો રહેવાનું, એ નાની બાબત કહેવાય, એની ફરિયાદ નહીં કરવાની તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હોવાનું સ્થાનિકે આક્ષેપ કર્યો છે.
ડાકોરના સ્થાનિક રહીશોએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે, પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ વડોદરા રહેતા હોવાથી અઠવાડિયામાં ત્રણ દિવસ બપોરે ૧૨થી ૫ વાગ્યા દરમિયાન ડાકોર ઓફિસમાં આવે છે. દરમિયાન ડાકોર ઓફિસ સિવાય ક્યાંય બજારમાં કે નગરમાં નહીં જતા સમસ્યાઓની ગંભીરતા નહીં જણાતા ઉકેલ આવતો નથી. સમસ્યાઓ અંગે ડાકોર પાલિકાના તમામ વોર્ડના રહીશોએ પાલિકામાં ફરિયાદો માટે અગાઉ હલ્લાબોલ પણ કર્યો હતો. છેલ્લા ૭ વર્ષથી તેમની કામગીરીથી નગરજનો હાલાકી ભોગવી ત્રસ્ત બન્યા છે.
ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે, નવી લાઈનો ચોકઅપ છે : સેનેટરી ઈન્સ્પેક્ટર
આ બાબતે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તારકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ગટરનો પ્રશ્ન ઘણા સમયથી છે. નવી લાઈનો ચોકઅપ થઈ ગઈ છે જેના રિપોર્ટ ચીફ ઓફિસરને કર્યા છે. નગરપાલિકાના ઘણા સાધનો બગડી ગયા છે જેથી સમસ્યાઓનો હલ થતો નથી.