દસાડાના રામાગ્રી ગામની પીવાના પાણીની સમસ્યાને લઇ રજૂઆત
સુરેન્દ્રનગર - દસાડા તાલુકાના રામાગ્રી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.ગામનું તળાવ ખાલી જઇ જતા કુવામાંથી ગંદુ અને દુર્ગધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાથી રોગચાળાની દહેશત વ્યાપી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, દસાડા તાલુકાના રામાગ્રી ગામનું તળાવ છેલ્લા એક વર્ષથી પાણી વગર ખાલીખમ છે અને હાલ તંત્ર દ્વારા પીવા તેમજ વપરાશ માટેનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ પાણી પણ રોજીંદા ઉપયોગમાં નહી આવે તેવું ગંદુ અને દુર્ગંધયુક્ત રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. તેમજ લોકોના આરોગ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. જે મામલે ગ્રામજનો સહિત આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. તેમજ પૂરતું અને શુદ્ધ પાણી નહીં મળતા મહિલાઓને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.
તંત્ર દ્વારા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને લોકોને પુરતુ અને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.


