Gujarat

ધોરાજી - ઉપલેટા વચ્ચે 2022માં બનેલા પૂલમાં ખાડા પડી જતાં જાનહાનિનો ભય

By GS TEAM
14 Jul 20252 mins read
ધોરાજી - ઉપલેટા વચ્ચે 2022માં બનેલા પૂલમાં ખાડા પડી જતાં જાનહાનિનો ભય

ધોરાજી - જામનગર વચ્ચે ભાદરનો પૂલ જર્જરિત : ઉપલેટા તરફ જતા સુપેડી નજીકનો પૂલ પણ જર્જરિત થઇ જતાં લોકો ભયભીત

ધોરાજી, : સૌરાષ્ટ્રમાં નબળાં પૂલોની ભરમાર વચ્ચે ધોરાજી નજીક ૩ પુલોની હાલત બિસ્માર બની જતાં મોટી જાનહાનિ થવાનો ભય વ્યક્ત થઇ રહ્યો છે. નબળાં પૂલોમાં એક પુલ તો હજુ હમણાં જ 2022માં જ બન્યો છે. છતાં નબળો થઇ જતા ભ્રષ્ટાચારના પોપડાં ઉખડવા લાગ્યા છે.  ઉપલેટા તરફ જતાં નેશનલ હાઇ-વે પર ધોરાજીમાં પ્રવેશ કરતા જ એક પૂલ આવે છે. અગાઉ જૂનો પુલ મજબુત હતો. તે તોડીને નવો બનાવાયો છે. પરંતુ થોડા સમયમાં જ નબળો થઇ જતાં આ પુલના વપરાશકારોમાં ભય અને ચિંતા પ્રસરી ગઇ છે. 

આ ઉપરાંત નેશનલ હાઇ-વે પર ભાદર નદી  ઉપર 2022માં એટલે કે ત્રણ વર્ષ પહેલાં જ જૂના પુલના સ્થાને નવો બનાવ્યો છે. તે પૂલનો વપરાશ માત્ર 3 જ વર્ષ થયો હોવા છતાં બ્રિજ પર મસમોટા ખાંડા પડયા છે. હાલ અહીંથી ઉપલેટા - રાણાવાવ - કુતિયાણા - પોરબંદર તેમજ જેતપુર - ગોંડલ તરફ જતા આવતા વાહન ચાલકોમાં ભય ફેલાઇ ગયો છે. લોકો અહીં જીવના જોખમે પસાર થાય છે. આવી જ રીતે ધોરાજીથી જામનગર જતા રાજ્ય ધોરી માર્ગ પર ભાદર નદી ઉપરનો પૂલ છે. તે પણ જોખમી બની ગયો છે. 

ભાદર ઓવરબ્રિજ પર તંત્ર દ્વારા માટી નાખી દેવાતા ટ્રાફિક જામ 

ધોરાજી, : ધોરાજીથી જામનગર જતા ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક ભાદર નદી પર આવેલો પુલ વર્ષો જૂનો છે.જેથી આ પુલ પર ભારે વાહનો બંધ કરવા માટેતંત્ર  દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.  સંબંધિત તંત્રના અધિકારીઓએ પુલનું પરીક્ષણ કરી પુલ પાસે માટીના ઢગલા કરી દેતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. અને વાહનોની કતારો લાગી ગઇ હતી. અચાનક માર્ગ બંધ થઈ જતા વાહનચાલકોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈ થોડીવાર બાદ જેસીબી વડે માટી હટાવી રસ્તો ફરી શરૂ કરાયો હતો.