Gujarat

ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ

By GS TEAM
4 Aug 20252 mins read
ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ

લીંબડીના બાહેરપરા શાકમાર્કેટમાં

લાંબા સમય સુધી ખાડાનું પુરાણ ન કરવાના કારણે લોકોને હાલાકી ભોગવવાની નોબત, તાકિદે પુરાણ કરવા માંગ

લીંબડી - લીંબડી બાહેલાપરા વિસ્તારમાં શાક માર્કેટમાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડવાથી નાના મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ વાહનો ચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેને લઈને શાક માર્કેટ વિસ્તારના વેપારીઓ દ્વારા પાલિકા તંત્રને રોડ પરના ખાડા બુરાવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતું પાલીકા તંત્રને ખાડા બુરાવામા જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા એકાદ વર્ષ પહેલાં રોડ ખોદીને ગટર લાઈનનું ભુંગળુ નાખવામાં આવ્યુ હતું. પરંતુ ગટરનું ભુંગળુ નાખ્યાં પછી તે જગ્યાએ પડેલો ખાડો બુર્યો ન હતો. જેને કારણે આજ સુધી અનેક વાહના ચાલકો પડી જવાના અને અકસ્માત સર્જાયા છે. તેમજ તેની બાજુમાં રહેલ ખુલ્લી ગટરમાં વાહન ખાબકે છે. રસ્તા પર પડેલો ખાડો બુરવા વેપારીઓએ દ્વારા પાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્રને ખાડો બુરાવામાં જરાય રસ નથી. આ ઉપરાંત મહાકાળી મંદિર રોડ, બાલકૃષ્ણ માર્કેટિંગ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડયા છે. જેને કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છતાંય પાલિકા તંત્ર ના પેટમાં પાણી પણ હલતું નથી. બાહેલાપરા વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું કે જો ભાજપના રાજમા તંત્રને ખાડા બુરાવામાં રસ ના હોય તો અમારે જાતે ખાડા બુરાવા મજબુર બનવુ પડશે.