રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય

- મહુધા- કઠલાલ રોડ પરના વડથલ ફાટક ઉપર
- ટુવ્હીલર ચાલકોને પડી જવાથી ઈજાગ્રસ્ત થવાના બનાવ વધ્યા : સત્વરે રિપેરિંગ કરાવવા માંગ
ખેડા જિલ્લામાં નડિયાદથી કપડવંજ મોડાસા રેલવે લાઈન પસાર થાય છે. આ રેલ્વે લાઈન પર વડથલ ફાટક પર રેલવે ટ્રેક અને રોડની સપાટી વચ્ચેના ભાગમાં સુરક્ષા માટે અને વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે રબરની સીટો લગાવાઈ છે. આ રોડ ઉપર વાહનોની અવરજવરના ભારણના કારણે ટ્રેક વચ્ચેની રબરની સીટો ઊંડી બેસી ગઈ છે. પરિણામે ટ્રેક પરથી પસાર થતા વાહનચાલકોને ઝટકા લાગે છે. ફાટક પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે.
વાહનો પર કાબૂ ગુમાવતા અકસ્માતની સંભાવના વધી છે. રોજબરોજ માર્ગનો ઉપયોગ કરનારા લોકોને વાહનોને નુકસાન થઈ રહ્યું છે. આ ફાટક પરથી વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ માટે આ પસાર થવું પીડાદાયક બન્યું છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે માર્ગ અને મકાન તેમજ રેલવે તંત્ર સત્વરે રબરની સીટોનું સમારકામ કરે તેવી માંગણી ઉઠી છે.

