Gujarat

સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા ભુલકા ભવન ચાર રસ્તા ખાતે પંદર દિવસથી બેરીકેટથી અકસ્માતનો ભય

By GS TEAM
26 Sep 20252 mins read
TukuTouch Logo
ભુલકા ભવન ચાર રસ્તા પર સરદાર બ્રિજના એપ્રોચ પહેલાં પંદર દિવસ પહેલાં કામગીરી માટે બેરીકેટ મુકાયા હતા : આ બેરીકેટના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા ભુલકા ભવન ચાર રસ્તા ખાતે પંદર દિવસથી બેરીકેટથી અકસ્માતનો ભય

Surat : સુરત પાલિકા અને સુરત પોલીસની બેદરકારીના કારણે અડાજણ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. અડાજણ છેડાથી સરદાર બ્રિજ શરૂ થાય તે પહેલા છેલ્લા પંદર દિવસથી બેરીકેટ મુકવામાં આવ્યા છે. અહીં કોઈ કામગીરી ચાલતી નથી તેમ છતાં પંદર દિવસથી બેરીકેટ હટાવવામા આવતા ન હોવાથી ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. બરાબર ટર્ન પર જ બેરીકેટ હોવાથી ઝડપથી વાહન ચાલક આવે તો મોટો અકસ્માત થાય તેવી ભીતિ થઈ રહી છે. કામગીરી વિના મુકાયેલા બેરિકેટ્સ લોકો માટે આફત બની રહ્યાં હોવાથી તેને હટાવવા માંગણી થઈ રહી છે. 

સુરતીઓ માટે ટ્રાફિક સમસ્યા દુર કરવાની કામગીરી કરતી પાલિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે જ અડાજણ વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. અડાજણ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ભુલકા ભવન ચાર રસ્તા નજીક સરદાર બ્રિજના એપ્રોચ પહેલા પાલિકા દ્વારા કામગીરી માટે બેરીકેટ મુકવામાં આવ્યા હતા. જોકે, આટલા દિવસ બાદ પણ કામગીરી પૂરી કરવામાં આવી નથી અને બેરિકેટ્સ પણ હટાવવામાં આવ્યા નથી જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે.

સુરતના સૌથી વધુ રહેણાંક વિસ્તાર કહેવાતા અડાજણ-પાલ-પાલનપોરથી નદી પાર જવા માટે સરદાર બ્રિજ અને ગુજરાત ગેસ સર્કલ રોડ મુખ્ય રોડ છે. પરંતુ આ જગ્યાએ જવા પહેલાં સાર્પ ટર્ન પર બેરીકેટ મુકવામાં આવ્યા છે જે ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે. ટ્રાફિકના ભારને કારણે સવારે અને સાંજે પીક અવર્સ દરમિયાન લાંબી લાઈનો લાગી જાય છે. ખાસ કરીને બે-વ્હીલર અને સ્કૂલ વેન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલિકા તંત્ર દ્વારા કોઈ કામ ચાલુ નથી તો બેરીકેટ શા માટે મુકેલા છે? તાત્કાલિક હટાવવામાં આવે તો જ રાહત મળશે, એવી માગણી રહી છે. પાલિકા અને પોલીસ આ બેરીકેટ ન હટાવે અને જો કોઈ વાહન ચાલક ઝડપથી આવે તો ટર્નમાં જ બેરીકેટ હોવાથી મોટો અકસ્માત થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.