ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટનાનો ભય

સેફ્ટી ગ્રિલનું તાત્કાલિક સમારકામ કરવા માંગ
કોલેજ રોડ પર ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી લોકોને વીજ શોક લાગવાનો ભય
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા શહેરમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વર્ષો પૂર્વે વીજ ટ્રાન્સફોર્મર ફરતે નાખવામાં આવેલ સેફ્ટી ગ્રીલનું સમયાંતરે દેખરેખ અને ઝાડી ઝાખરાની સફાઈ નહીં કરવાને લીધે રખડતા પશુઓ વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જાય છે અને અંતે વીજ શોક લાગવાથી મોતના બનાવો બને છે. ધ્રાંગધ્રા શહેરના કોલેજ રોડ પર આવેલા ધામક સ્થળની બાજુમાં જ આ પ્રકારે વીજ ટ્રાન્સફોર્મરની સેફ્ટી ગ્રિલ ખુલ્લી પડી હોવાનું નજરે પડે છે. અહીં ધામક સ્થળ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અને તેમના પરિવારો અહી દર્શનાર્થે આવે છે જેમાં સાથે નાના બાળકો પણ હોય છે.જે રમત રમતમાં અહીં ખુલ્લા પડેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે જઈ ચડે છે. જો કે હજુ સુધી કોઈ દુર્ઘટના થઈ નથી પરંતુ જો આગામી સમયમાં ખુલ્લા પડેલા વીજ ટ્રાન્સફોર્મર ફરતે સેફ્ટી ગ્રીલનું રીપેરીંગ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હળવદ રોડ પર જીવતો વીજ વાયર બાળકી પર પડતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી.









