Gujarat

વઢવાણ એસ.ટી. બસ સ્ટેન્ડમાં જોખમી રીતે લટકતા હોર્ડિંગથી દુર્ઘટનાની ભીતિ

By GS TEAM
30 Mar 20261 min read
વઢવાણ એસ.ટી. બસ સ્ટેન્ડમાં જોખમી રીતે લટકતા હોર્ડિંગથી દુર્ઘટનાની ભીતિ

-  દુર્ઘટના સર્જાય તે પહેલાં ઉતારી લેવા માંગ

- આવેલા વાવાઝોડામાં બેનરોના પતરા તૂટીને જોખમી રીતે લટકી રહ્યાં છે : મુસાફરોના જીવ જોખમમાં

સુરેન્દ્રનગર : વઢવાણ બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ પાસે વાવાઝોડાને કારણે તૂટી ગયેલા જાહેરાતના પતરાઓ જોખમી રીતે લટકી રહ્યા છે. દૈનિક હજારો મુસાફરોની અવરજવર વચ્ચે તંત્ર દ્વારા આ પતરાઓ તાત્કાલિક ઉતારી લેવા લોકમાંગ ઉઠી છે.

ઝાલાવાડમાં ગત ૧૯ માર્ચના રોજ આવેલા ભારે પવન અને વરસાદી વાવાઝોડાને કારણે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ પાસે લગાવવામાં આવેલા જાહેરાતના બોર્ડ અને બેનરોના લોખંડી પતરાઓ તૂટી ગયા હતા. આ પતરાઓ હાલમાં જોખમી રીતે લટકી રહ્યાં છે, જે ગમે ત્યારે નીચે પડવાની ભીતિ સેવાઈ રહી છે.

વઢવાણ બસ સ્ટેન્ડ પરથી દરરોજ અંદાજે ૨,૦૦૦થી વધુ મુસાફરો એસ.ટી. બસ દ્વારા મુસાફરી કરે છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ આ પતરાઓ લટકતા હોવાથી મુસાફરો અને પસાર થતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. વાવાઝોડાને ૧૦ દિવસ વીતી ગયા હોવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા આ જોખમી પતરાઓ દૂર કરવામાં આવ્યા નથી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈનો જીવ જાય તે પહેલાં વહીવટી તંત્ર જાગે અને આ તૂટેલા પતરાઓ ઉતારી લે તેવી ઉગ્ર માંગણી મુસાફરો અને સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે.