નર્મદા કેનાલ પરના પુલની સંરક્ષણ દિવાલ તુટી જતા અકસ્માતની ભીતિ
લખતરના કડુ અને કળમ વચ્ચે આવેલી
મોટી જાનહાની કે દુર્ધટના સર્જાય તે પહેલા જર્જરિત દિવાલનું રિપેરિંગ કરવા માંગ
સુરેન્દ્રનગર - લખતર તાલુકામાથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય તથા પેટા કેનાલો પરના અનેક પુલ બિસ્માર હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે આથી કોઈ જાનહાની થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય રીપેરીંગ કામ કરવાની માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના દરેક તાલુકામાંથી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલ પસાર થાય છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે કેનાલ પર આવેલ પુલ બિસ્માર તેમજ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યાં છે. લખતર તાલુકાના કડુ અને કળમ ગામ વચ્ચેથી નર્મદા વિભાગની વલ્લભીપુર શાખા નહેર પસાર થાય છે. કડુથી કળમ, ડેરવાળા, સાકર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જવાના રોડ પર આવેલ નર્મદા કેનાલના પુલ પરની સંરક્ષણ દીવાલ તુટેલી હાલતમાં હોવાથી પસાર થતાં વાહનચાલકોમા અકસ્માતનો ભય સતાવી રહયો છે. કડુથી કળમ, ડેરવાળા, સાકર તરફ જતા રોડ પરથી રોજનો અનેકો વાહનો પસાર થાય છે. ત્યારે કડુ નજીક નર્મદાના પુલ પરની તુટેલી સંરક્ષણ દીવાલ તંત્રના ધ્યાને શું નહીં આવતી હોય તેવા પણ અનેકો સવાલ ઉઠી રહયા છે.ત્યારે કડુ નજીક આવેલ નર્મદાના પુલ પરની તુટેલી સંરક્ષણ દીવાલના કારણે આગામી સમયમાં કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતાં વાહનચાલકો તથા રાહદારીઓમા માંગ ઉઠવા પામી છે.