Gujarat

દિવાળી પર્વ ટાણે મોટી ઘટના થવાની દહેશત, અમદાવાદનાં બોપલ સહીત અન્ય વિસ્તારમાં NOC વગર ફટાકડાનું વેચાણ

By GS TEAM
18 Oct 20252 mins read
દિવાળી પર્વ ટાણે મોટી ઘટના થવાની દહેશત, અમદાવાદનાં બોપલ સહીત અન્ય વિસ્તારમાં NOC વગર ફટાકડાનું  વેચાણ

અમદાવાદ,શનિવાર,18 ઓકટોબર,2025

અમદાવાદમાં આ વર્ષે દિવાળી પર્વ દરમિયાન મોટી દુર્ઘટના થવાની દહેશત વ્યકત કરાઈ રહી છે.બોપલ,ગોતા સહીતના અન્ય વિસ્તારોમાં આવેલી ખુલ્લી જગ્યા કે પ્લોટમાં ફાયર વિભાગ પાસેથી એન.ઓ.સી.લીધા વગર ફટાકડાનું ધૂમ વેચાણ કરાઈ રહયુ છે.કપડાંના કાચા મંડપ બનાવી ફટાકડાનુ વેચાણ થઈ રહયુ હોવા છતાં ફાયર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી.આ વર્ષે અમદાવાદમાં ફટાકડાનુ વેચાણ કરવા એક પણ ફાયર સેફટી સર્ટિફિકેટ વિભાગ તરફથી  ધનતેરસની સાંજ સુધીમાં આપવામા આવ્યુ નહીં હોવાનુ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

એક સમયે અમદાવાદ ફાયર વિભાગની કામગીરી દેશ અને દુનીયામા વખાણવામા આવતી હતી.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિભાગની કામગીરી સતત નબળી પડતી જાય છે. રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ દ્વારા ફટાકડાના વેચાણ માટે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગે જ ફાયર સેફટી સર્ટિફિકેટ આપવાનુ રહેશે એવો ૧૦ ઓકટોબર-૨૫ના રોજ પરિપત્ર કર્યો હતો.અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ ચાર દિવસ અગાઉ ૧૮ કિસ્સામાં ફાયર વિભાગ તરફથી ફટાકડાના વેચાણ માટે ઓપીનીયન અપાયો હોવાનુ કહયુ હતુ.હકીકતમાં ફાયર વિભાગે ફાયર સેફટી સર્ટિફિકેટ કે જે અગાઉ ફાયર એન.ઓ.સી.ના નામથી ઓળખાતુ હતુ તે આપવાનુ થતુ હતુ.આમ છતાં એક પણ કેસમાં ફાયર એન.ઓ.સી. ઈશ્યૂ કરાઈ નથી. શનિવારે ચીફ ઓફિસરનો સંપર્ક કરવા પ્રયાસ કરાતા તેમણે સંપર્ક કરવાનુ ટાળી દીધુ હતુ.અગાઉના વર્ષોમાં કયારેય ફટાકડાના વેચાણને લઈ એન.ઓ.સી.ના અપાઈ હોય એવી ઘટના બની નથી.

અમદાવાદમાં દિવાળી પર્વે આગ લાગવાના ત્રણ વર્ષમાં ૪૦૦થી વધુ કોલ નોંધાયા

દિવાળી પર્વ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં આગ લાગવાના ૪૩૩ કોલ ફાયર વિભાગને મળ્યા છે.દિવાળી સમયે ફટાકડાથી  કે શોટ સરકીટ થવાથી અથવા અન્ય કારણથી આગ લાગવાના બનાવોનો અંગારકોલમાં સમાવેશ કરાયો છે.વર્ષ-૨૦૨૪-૨૫માં દિવાળી પર્વથી લાભ પાંચમ સુધીના સમયમાં શહેરમાં આગ લાગવાના કુલ ૬૧ બનાવ નોંધાયા હતા.

વર્ષ           મહીનો  કોલની સંખ્યા

૨૨-૨૩      ઓકટોબર  ૧૦૮

૨૩-૨૪     નવેમ્બર    ૨૬૪

૨૪-૨૫    ઓકટોબર   ૬૧

૨૦૦ દિવસમાં ફાયર વિભાગને ૨૬ હજારથી વધુ કોલ મળ્યા

૧ એપ્રિલથી ૧૫ ઓકટોબર-૨૫ સુધીના ૨૦૦ દિવસના સમયમાં અમદાવાદ ફાયર વિભાગને અમદાવાદ શહેર અને હદ બહારના વિસ્તારમાંથી  અંગારકોલ,બચાવકોલ સહીતના કુલ મળીને ૨૬૨૪૦ કોલ મળ્યા હતા.

કોલનો પ્રકાર   કોલની સંખ્યા

ફાયર  કોલ    ૧૨૭૩

રેસ્કયૂ કોલ     ૧૫૧૫

બંદોબસ્ત       ૨૦૫૧

એમ્બ્યુલન્સ     ૮૫૨૬

ડેડબોડી કોલ   ૧૨૮૭૫

કુલ             ૨૬૨૪૦