Gujarat

નૈપ ગામે યુવકની હત્યા કરનારા પિતા ઝડપાયા, પુત્ર ફરાર

By GS TEAM
23 Jun 20252 mins read
નૈપ ગામે યુવકની હત્યા કરનારા પિતા ઝડપાયા, પુત્ર ફરાર

- લોખંડના સળિયાથી હુમલો કરી હત્યા કર્યાની કબૂલાત 

- પુત્રીને મળવા આવેલા યુવકની હત્યા બાદ લાશને પિતા-પુત્રએ ખારાના પાણીમાં ફેંકી દીધી હતી

ભાવનગર : મહુવા તાલુકાના નૈપ ગામના યુવકની પ્રેમ સંબંધના મામલે યુવતીના પિતા-પુત્ર દ્વારા હત્યા કરી દીધાંના ચકચારી બનાવમાં પોલીસે હત્યાને અંજામ આપનારા યુવતીના પિતાની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેના પુત્રની શોધખોળ ચાલી રહી છે. 

મહુવા તાલુકાના નૈપ ગામે પ્રેમ પ્રકરણના મામલે ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)ની ગામમાં જ રહેતાં ગોરધન રાઘવભાઈ મકવાણા અને ગોમાન ગોરધનભાઈ મકવાણાએ ગતરોજ હત્યા કરી હતી.બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઈ મોલાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ઉક્ત પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને હત્યાને અંજામ આપનારા પિતા-પુત્રમાંથી પિતા ગોરધન રાઘવભાઈ મકવાણાની આજે ધરપકડ કરી લીધી છે, જ્યારે પુત્ર ગોમાન મકવાણા હજૂ ફરાર હોય જેની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પુછપરછમાં ગત શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિના આશરે ૧ કલાકના અરસામાં ભાવેશ તેમના ઘરની બારી પરથી ચડી ઘરના ઉપરના ભાગે તેમની દિકરીને મળવા આવ્યો હતો અને આ દરમિયાન યુવતીના ભાઈ ગોમાનને ખબર પડી જતાં બન્નેને ઝડપી લીધાં હતા અને પિતા-પુત્રએ મળીને લોખંડના સળિયાના ચારથી પાંચ ઘા માથાના ભાગે અને ૬ થી ૭ ઘા શરીરના અન્ય ભાગે મારી ભાવેશને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી અને બાદમાં તેની લાશને પિતા-પુત્રએ ખારાના પાણીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત આપી હતી. આ મામલે મહુવા પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીને આવતીકાલ સોમવારે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.