પેટલાદમાં પુત્રને ઘરે અમદાવાદથી આવેલા પિતા કોરોના પોઝિટિવ
- આણંદ જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રીથી તંત્ર હરકરમાં આવ્યું
- દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ : ઘરના 9 સભ્યોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા હાંશકારો : જિલ્લામાં શંકાસ્પદ કેસોની તપાસણી અને ટેસ્ટિંગ શરૂ કરાયા
આણંદ જિલ્લાના પેટલાદ શહેરી વિસ્તારમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. પોઝિટિવ આવેલા દર્દી તા. ૧૧/૦૫/૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતેથી તેમના પુત્રના ઘરે પેટલાદ રહેવા આવ્યા હતા. તેઓને તા. ૧૮/૦૫/૨૦૨૫ના રોજ તાવ અને શરદી થયેલી હોવાથી તા. ૨૧/૦૫/૨૦૨૫ના રોજ પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા. જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરતાં પોઝિટિવ આવ્યો હતો. દર્દીને હાલ તેમના ઘરે હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અગમચેતીના ભાગરૂપે દર્દીના ઘરના ૯ સભ્યોના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જે તમામ નેગેટિવ આવ્યા છે.
પેટલાદ અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા દર્દીના ઘરની આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. જેમાં કોઈ શંકાસ્પદ દર્દી મળી આવ્યો નથી.
આણંદ જિલ્લામાં કોરોનાની રિ-એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
પેટલાદ તથા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ કેસોની તપાસણી તથા ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઇ છે. ઉપરાંત જિલ્લાના તમામ પીએચસી અને સીએચસી સેન્ટર ખાતે સેમ્પલ કલેક્શનની કામગીરી પણ ચાલુ છે. સાથે સાથે જિલ્લાના તમામ પીએચસી, સીએચસી તથા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ સંખ્યામાં બેડની સુવિધા સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
નાગરિકોએ વધુ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા તેમજ તાવ, શંકાસ્પદ બિમારી કે રોગના લક્ષણો જણાય તો ત્વરિત સરકારી દવાખાનામાં નિદાન- સારવાર કરાવી લેવા જણાવાયું છે.
જિલ્લામાં 300 થી વધુ બેડ સાથેની સુવિધાનું મોનિટરિંગ કરાયું : આરોગ્ય વિભાગ
જિલ્લા રોગચાળા અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ સિવિલમાં ૫૦, આણંદ જનરલ હોસ્પિટલમાં પ૦, કરમસદ મેડિકલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં વેન્ટીલેટર, ઓક્સિજન સાથેના ૨૦૦ બેડની સુવિધા હોવાનું તેમજ જરૂર પડયે બેડ સહિતના આઇસોલેશન વોર્ડને ઉપયોગમાં લેવાશે હાલ તેનું મોનિટરિંગ રખાઈ રહ્યું છે.