Get The App

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા 1 - image

Jamnagar Cyber Crime : જામનગર જિલ્લાના કાલાવડમાં હોટલ ચલાવતા એક વેપારી અને તેનો બારમાં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એવો પુત્ર કે જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી રૂપિયા 2399 નું નેકલેસ ખરીદવા જતાં સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા, અને પોતાના ગુગલ પે સહિતના બે બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 4,15,000 જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જે અંગે સાયબર ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

કાલાવડમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને હોટલ ચલાવતા ચીમનભાઈ દામજીભાઈ ફળદુ નામના વેપારીએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓના પુત્ર દક્ષને ૭૭૨૬૦૬૮૫૮૮ નંબરના મોબાઈલ ધારકે ઓનલાઈન ખરીદી માટે રૂપિયા 2399 ની કિંમતનું નેકલેસ કે જેનું પેમેન્ટ કરવા માટે લિંક વગેરે મોકલી હતી.

ચીમનભાઈના પુત્ર દક્ષ કે જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેણે પોતાની માતા ગીતાબેન માટે નેકલેસ ખરીદવા માટે સંપર્ક કર્યો હતો અને વોટ્સએપ ચેટ અને કોલિંગના માધ્યમથી એક ચિટર શખ્સ તેમના સંપર્કમાં આવ્યા બાદ તેની ખરીદીની ઍક્સેપ્ટને સ્વીકાર્યા બાદ પેમેન્ટ મેળવી લીધું હતું. ત્યાર પછી જુદા જુદા બહાના બતાવી અલગ અલગ લિંક મોકલી હતી, અને બેન્ક એકાઉન્ટ નંબર અને તેના સ્કેનર વગેરેની જાણકારી મેળવી લીધા બાદ નેકલેસ હાલ ખલાસ થઈ ગયા છે, અને પેમેન્ટ તમારા બેંક ખાતામાં પરત કરવું છે, તેમ જણાવી બેન્ક ખાતાની વધુ વિગતો માંગી લીધી હતી. 

જે વિગતના અનુસંધાને વેપારી ચીમનભાઈના અલગ અલગ બે બેન્ક એકાઉન્ટમાંથી કુલ 4,15,000 ની રકમ સાઇબર ટોળકીએ ટ્રાન્સફર કરી લીધી હતી. આથી આ મામલો કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે મામલે કાલાવડ ટાઉનના પી.એસ.આઇ. વધુ તપાસ ચલાવી રહ્યા છે.