રાષ્ટ્રપિતા ગાંધીજી સમસ્ત વિશ્વને હંમેશ માટે પ્રેરણાદાયીઃ વેંકૈયા નાયડુ
પોરબંદરમાં ગાંધીજીનાં જન્મસ્થળની ઉપરાષ્ટ્રપતિએ મુલાકાત લીધી જામનગર એરફોર્સ ખાતે ભવ્ય સ્વાગતઃ શ્રી દ્વારકાધીશનાં જગતમંદિર તેમજ શ્રી સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવનાં જ્યોતિર્લિંગનાં દર્શન-પૂજન કરીને ધન્યતા અનુભવી
રાજકોટ, : ગુજરાતનાં પ્રવાસે આવેલા દેશનાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે સહપરિવાર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીનાં જગતમંદિર, સૌરાષ્ટ્રનાં બન્ને જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ સાથે તેમણે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ-કીત મંદિરની મુલાકાત લઈ પૂજય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
દેશનાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે સવારે સહપરિવાર જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે વાયુદળનાં વિમાનમાં પહોંચતા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ એરફોર્સનાં હેલિકોપ્ટર્સ મારફત દ્વારકા પહોંચ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવનાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન-અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા.
ગાંધીભૂમિ પોરબંદર ખાતે બપોરે ઉપરાષ્ટ્રપતિએ સહપરિવાર સૌપ્રથમ મહાત્મા ગાંધીજીના મૂળ જન્મસ્થાન પહોંચી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાદમાં કીત મંદિરમાં પૂજય બાપુ અને કસ્તુરબાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે સહપરિવાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિ ગેલેરી રૂમની મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને બાપુની જીવન દશની નિહાળી હતી. તેઓએ કીત મંદિર વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી સમગ્ર વિશ્વ માટે કાયમ માટે પ્રેરણાદાયી છે. આ પૂર્વે ઉપરાષ્ટ્રપતિનું પોરબંદરની સંસ્કૃતિ મણીયારો રાસ રજૂ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે તેમણે વિલા સર્કિટહાઉસ ખાતે ભોજન લીધું હતું અને ત્યારબાદ વિશ્રામ કર્યા પછી હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થયા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનાં મંદિરે આજે સાંજે પહોંચેલા ઉપરાષ્ટ્રપતિએ સહપરિવાર શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન અને ગંગાજળથી અભિષેક કર્યો હતો. તેમના હસ્તે સોમનાથ મંદિર ફરતે પ્રદક્ષિણા માટેની ઈલે.કાર્ટનું લોકાર્પણ કરાયું હતું. અહીં તેમણે પ્રતિભાવ લખતા જણાવ્યું કે, સોમનાથ મંદિર એ ભવ્યતાનું પ્રતિક છે. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા.