Gujarat

અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ

By GS TEAM
5 Aug 20251 min read
અપહરણના ગુનામાં ચાર સંતાનના પિતાને જેલમાં મોકલી આપવા આદેશ

વડોદરા : ૨૨ વર્ષ પહેલા વડોદરામાં રહેતી સગીર કિશોરીને ભગાડી જનારો શખ્સ રાજસ્થાનમાં રહેતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. હાલ ચાર સંતાનના પિતા બની ચૂકેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોષી નામના શખ્સ સામે ૨૨ વર્ષ પહેલા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સગીર કિશોરીને ભગાડી જવાનો ગુનો નોંધાયો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશન છેલ્લા ૨૨ વર્ષથી આરોપીને શોધી રહી હતી અને પાંચ દિવસ પહેલા પોલીસને જાણ થઇ હતી કે, આરોપી રાજસ્થાનમાં રહે છે.

પોલીસે બાતમીના આધારે આરોપીને જડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું કે, આરોપી જે સગીર કિશોરીને ભગાડી ગયો હતો તેના થકી હાલ તેને ચાર સંતાન છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. દરમિયાનમ હાલ જેલમાં રહેલા આરોપીએ કોર્ટમાં જામીન અરજી મુકી રજૂઆત કરી હતી, તે કાયદાથી અજાણ હતો અને હાલ તેને જે કિશોરીને ભગાડી જવાનો આક્ષેપ છે તેના થકી તેને ચાર સંતાન છે. ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.