વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા ફરી વિવાદમાં : પોલીસની હાજરીમાં સ્થાનિક રહીશ સાથે ઝઘડામાં ડંડાબાજીનો વીડિયો વાયરલ
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ પોલીસની હાજરીમાં સ્થાનિક રહીશ સાથે ગાળાગાળી દંડાબાજી અને ધક્કો મારતો વીડિયો વાયરલ થયો છે આ અંગે મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નરેશભાઈ રાણા નાગરવાડા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. તેમના ઘંટી ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપભેર રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપના કોર્પોરેટરના પિતા તેમના અનાજની ઘંટીમાંથી કોઈ ડંડા જેવી વસ્તુ બહાર લઈને આવે છે અને વ્યક્તિને માર મારે છે તે પ્રકારે કથિત રીતે જણાય આવી રહ્યું છે. જેમાં પોલીસ આ બંને લોકોને છોડાવે છે તેમ દેખાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચ્યો છે. ભાજપના કોર્પોરેટરના પિતાના ફટકાબાજીનો ભોગ બનનાર દિનેશ સોલંકીને જણાવી રહ્યા છે કે તેઓ લોટ લેવા ગયા હતા ત્યારે માથાકૂટ થઈ હતી. જેની બીજા દિવસે અદાવત રાખીને બેઝબોલથી તેમને મારવામાં આવ્યા છે હાલ તેઓ કારેલીબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ આપીને સારવાર માટે દવાખાને રવાના થયા છે તો બીજી બાજુ કોર્પોરેટરના પિતાના આક્ષેપો છે કે દિનેશ સોલંકી મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતો હતો જેને લઈને માથાકૂટ થઈ હતી જે બાબતે તેને માફી પણ માંગી હતી. બીજા દિવસે તે અચાનક અનાજની ઘંટી પર આવ્યો મને ઉશ્કેરવા લાગ્યો જેથી મેં આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. હવે આ મામલાની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમે શરૂ કરી છે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને તે બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું...
પોલીસની હાજરીમાં કોર્પોરેશનના કર્મચારી સાથે દંડાબાજી કરનાર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતા સામે કાર્યવાહી કરવા મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યારે દંડાબાજી અને મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
અત્રે યાદ આપવું જરૂરી છે કે ભાજપની મહિલા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાએ થોડા સમય પહેલા ડ્રેનેજ ઉભરાવવાના મુદ્દે વોર્ડ કચેરીને માથે લીધી હતી અને તાળું મારી દીધું હતું. એ જ રીતે તેમના પિતાજી દ્વારા વોર્ડના કર્મચારીઓ સાથે અવારનવાર ઉદ્ધત વર્તન અને લાફા મારી દીધા ના પણ કિસ્સા બન્યા હતા.