ભાડેર ગામના ખેડૂત પિતાની કબૂલાત : ગત 24 નવેમ્બરે પુત્રએ દારૂના નશામાં માથાકૂટ કરતાં ગળાટૂંપો દઇને લાશને દાટી દીધી હતી
અમરેલી, : ધારીના ભાડેર ગામે વાડીની જમીનમાં દાટેલા માનવ કંકાલ મામલે પોલીસે દૂધનું દૂધને પાણીનું પાણી કરીને હત્યાની ગુથ્થી ઉકેલી હતી, ને પિતાના હાથે દીકરાની હત્યા થઈ હોવાનો સ્ફોટક ખુલાસો થયો હતો, જેમાં આજે કારણ પણ ચોંકાવનારૂં બહાર આવ્યું છે.
ધારીના ભાડેર ગામે ખેડૂત વશરામભાઈ સેંજલીયાએ પોતાના જ સગા દીકરાની 24 નવેમ્બરે ગળે દોરડું વીંટીને હત્યા કરી હોવાની પોલીસ તપાસમાં વિગતો ખુલી હતી.
વાડીમાં માનવ કંકાલ જમીનમાં અર્ધુ દાટેલી હાલતમાં હોવાની બાતમી બાજુના ખેતરવાળાએ પોલીસને આપતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં માનવ કંકાલ મળેલ, જે બહાર કાઢી ફોરેન્સિક પી.એમ. અર્થે ભાવનગર ખસેડી વાડી માલિક વશરામ સેંજલીયાની પૂછપરછ કરતા પોતાના હાથે જ દીકરાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.
24 નવેમ્બરે પોતાનો દીકરો હિતેશ સેંજલીયા દારૂ પી ને ઘરે માથાકૂટ કરતો હતો. અને માતા સાથે બીભત્સ માંગણી કરી હતી. જેથી પિતા વશરામભાઇ સેંજલીયાને ગુસ્સો આવતા દોરડા વડે ગળેટૂંપો દઈને હત્યા કરી સનેડો ગાડીમાં પોતાની વાડીમાં જઈને દાટી દીધેલ હતો ને બાદ ગઈકાલે 1 જાન્યુઆરીએ પોલીસને બાતમી મળતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને પિતાના હાથે પુત્રની હત્યાના આરોપી પિતા ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


