Gujarat

દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો

By GS TEAM
21 Oct 20252 mins read
દિવાળીના દિવસે જ પિતાએ પુત્રને ધારિયુ મારીને મોતને ઘાટ ઉતારી દીધો

( મૃતક યુવક)

અમદાવાદ,મંગળવાર

શહેરના રાણીપમાં આવેલી ખોડીયાનગર સોસાયટીમાં દિવાળીના પર્વમાં જ એક કરૂણાંતિકા બની. જેમાં પિતાએ આવેશમાં આવીને તેમના  પુત્રના ગળા પર ધારિયાનો ઘા મારીને હત્યા કરી  નાખી હતી. સૌથી નવાઇની વાત એ છે કે હત્યા કર્યા બાદ તેમણે પોતાની પુત્રવધુને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આ અંગે રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પિતની ધરપકડ કરી છે.

દિવાળીના દિવસે હચમચાવી દેનારી આ ઘટનાની વિગતો એવી છે કે ૩૩ વર્ષીય જયેશ ગોહેલ તેની પત્ની  લક્ષ્મી, પિતા ભાઇલાલભાઇ , માતા અને તેના પાંચ વર્ષના પુત્ર મયંક અને ત્રણ વર્ષની દીકરી  રિદ્ધી  સાથે રહેતો હતો. પરંતુ, છેલ્લાં ચાર વર્ષથી તે કોઇ ખાસ કામ ધંધો કરતો નહોતો અને દારૂ પીવાના આદત પડી ગઇ હતી. આ ઉપરાંત, નાની નાની બાબતોમાં ઘરમાં ઝઘડાની સાથે મારામારી પણ કરતો હતો.  જેના કારણે લક્ષ્મી તેના સંતાનો સાથે બોટાદ સારંગપુર ખાતે તેના પિયરમાં જતી રહી હતી. દિવાળીના દિવસે બપોરે લક્ષ્મીને તેના સસરાએ ફોન કરીને કહ્યું હતું કે સવારે જયેશે પૈસા માંગતા તેમણે ના કહી હતી. જેથી જયેશે ગાળા ગાળી કરી હતી અને એક રૂમમાં જઇને સુઇ ગયો હતો. 

ત્યારે કાયમની માથાકુટથી કંટાળી ગયેલા પિતા ભાઇલાલભાઇએ ધારિયુ લઇને સુઇ તેમના પુત્ર જયેશના ગળા પર મારી દીધું હતું. જેના કારણે સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સસરાની વાત સાંભળતા લક્ષ્મી અવાક થઇ ગઇ હતી અને તેના ભાઇ સાથે રાણીપ આવી હતી. જ્યાં ઘરે આવીને તેના પતિની લાશ જોઇ હતી. આ બાબતે તાત્કાલિક રાણીપ પોલીસને જાણ કરતા પીઆઇ કે વાય વ્યાસ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચી ગયો હતો અને ભાઇલાલભાઈની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.