Gujarat

પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

By GS TEAM
18 Dec 20252 mins read
પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

અમરેલી જિલ્લામાં આપઘાત - અકસ્માતની 3 ઘટના : રાજુલામાં પત્ની - બાળકો રિસાઇને અલગ રહેતા હોવાથી વૃધ્ધે ગળાફાંસો ખાધો : કેરાળા ગામે વીજ શોકથી બાળકનું મોત

અમરેલી, : અમરેલી જિલ્લામાં આપઘાત અને આકસ્મિક મોતના વધુ ત્રણ બનાવથી અરેરાટી પ્રસરી છે. જેમાં દામનગરમાં પુત્ર પારકી પરણેતરને ભગાડી જતાં કોર્ટ કેસમાં ગુંચવાયેલા પિતાએ જિંદગી ટૂંકાવી લીધી હતી. એ જ રીતે રાજુલામાં પત્ની - બાળકો રિસાઇને અલગ રહેતા હોવાથી યુવાને આપઘાત કર્યો હતો, જ્યારે જાફરાબાદના કેરાળા ગામે વીજ શોકનું બાળકનું મોત નીપજ્યું હતું. 

દામનગર ખાતે રહેતા અમરશીભાઇ નાગજીભાઇ પંચાસરા (ઉ.વ. 55)નો નાના પુત્ર ગામના જ એક વ્યક્તિની પત્ની અને પુત્રીને ભગાડી ગયો હતો, તે બાબતે લાઠી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની મુદત આવતા અમરશીભાઇને મનમાં લાગી આવ્યું હતું અને તેમણે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. લીલીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં રાજુલાની લીલાપીરની ધાર વિસ્તારમાં રહેતા અશોકભાઇ અમરાભાઇ કવાડ (ઉ.વ. 30)ના પત્ની અને બાળકો છેલ્લા બે વર્ષથી તેમનાથી અલગ રહેતા હતા. આ વિરહ અને માનસિક તણાવને કારણે અશોકભાઇએ પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.

દરમિયાન, અપમૃત્યુના એક બનાવમાં જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે રમેશભાઇ ભીમાભાઇ સાંખટનો પુત્ર ચેતન (ઉ.વ. 12) નવા બનતા મકાને પાણી છાંટી રહ્યો હતો એ સમયે સિંગલ ફેઝની ઇલેક્ટ્રિક મોટરમાંથી અચાનક વીજ પ્રવાહ ઉતરતા જોરદાર શોક લાગ્યો હતો, જેથી તેનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.