કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા

શહેરમાં વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી
પાંચ શખ્સોએ બોલાચાલી કરી હથિયારો વડે હુમલો કરતાં ગંભીર ઇજાથી યુવકનું સારવાર દરમિયાન મોત
કલોલ : કલોલના પૂર્વ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં યુવક ઉપર હિંસક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું બનાવ અંગે પોલીસે હત્યા કરનાર પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના પૂર્વ વિસ્તારમાં જેપીની લાટી પાસે રહેતા એક પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી રાત્રિના સમયે જમણવાર ચાલી રહ્યો હતો તે વખતે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાંથી નવીન ઉર્ફે ભાયો અમરતભાઈ સોલંકી ત્યાંથી બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ખેંગાર ભાઈ સવાભાઈ પરમારે તેનું બાઈક અટકાવ્યું હતું અને રસ્તો બંધ કર્યો છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી ત્યારબાદ નવીન ત્યાંથી જતો રહ્યો હતો અને બીજા દિવસે ખેંગારભાઈ પોતાના જન્મદિવસની પાર્ટી ઉજવવા માટે જેપીની લાટી સામે આવેલા ફૂટપાથ ઉપર તૈયારી કરી રહ્યા હતા તેઓ ખુરશીમાં બેસતા હતા ત્યારે રિક્ષામાં નવીન ઉર્ફે ભાયો અમરતભાઈ સોલંકી તથા નયન ઉર્ફે કા ભાઈ પસાભાઈ સોલંકી અને સોનુ મકવાણા તથા મનોજ મકવાણા અને અમરતભાઈ સોલંકી ત્યાં આવી ગયા હતા અને રીક્ષાની ટક્કરથી ખેંગાર ભાઈને નીચે પાડી દીધા હતા ત્યારબાદ આ તમામ લોકો તેમની ઉપર તલવાર અને લોખંડની પાઇપ તથા ધોકા લઈને તૂટી પડયા હતા. આ હુમલામાં તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેમને સારવાર માટે કલોલ ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું બનાવની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હત્યાના બનાવ અંગે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઈને હુમલો કરનાર પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને અમરતભાઈ સોલંકી ની ધરપકડ કરવામાં આવી હતી મરણ જનાર ખેંગારભાઈ સવાભાઈ પરમાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો તેની સામે પણ કલોલ શહેર પોલીસ મથક અને કલોલ રેલવે પોલીસ મથકમાં ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને તેને છ મહિના અગાઉ તડીપાર પણ કરવામાં આવ્યો હતો તેની સામે જીવલેણ હુમલા સહિત શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે.









