Get The App

શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ

આવા કૃત્યના કારણે એક સ્ત્રી જાહેરમાં બહાર નીકળતા પહેલા તેઓને બીક લાગે છે ; કોર્ટ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની  કેદ 1 - image

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં કોર્ટે આરોપી પિતા- પુત્રીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા સાથે રૂ.૧ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

વર્ષ 2023 માર્ચ મહિનામાં પરશુરામ ભઠ્ઠામાં રહેતા સુનિતાબેન પરમાર બિસ્કીટ શ્વાનને નાખવા જતા હતા. તે વખતે અગાઉના ઝઘડાની અદાવતે પાડોશી ભાણાભાઈ પટેલે અમારી જગ્યામાં ચણ નાખવાનું નહીં તેમ કહી ઝઘડો કર્યો હતો. અને ભાણાભાઈની પુત્રી હેમાબેનએ પક્ષીઓને પાણી મૂકવાનું સિમેન્ટનું કુંડુ સુનીતાબેનના માથામાં મારતા ઇજા પહોંચી હતી. જ્યારે ભાણાભાઈએ સુનીતાબેનનો હાથ પકડી જમીન ઉપર ઢસાડતા હાથે છોલાઈ ગયું હતું. બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જે અંગેના કેસની દસમા જ્યુ. મેજિસ્ટ્રેટ એસ.આર. આહુજાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા બંને પક્ષની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓના આ કૃત્યના કારણે એક સ્ત્રી જાહેરમાં બહાર નીકળતા પહેલા તેઓને બીક લાગે છે. સમાજમાં આવા કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. આરોપી તરફે હળવું વલણ દાખવવામાં આવે તો સમાજમાં તેનો ખરાબ સંદેશો જવાની શક્યતાને ઇન્કાર કરી શકાય નહીં.
Tags :