Gujarat

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા

By GS TEAM
5 Nov 20252 mins read
કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા

- ઢોરના પાણીનો હોજ ભરવા બાબતનો ઝઘડો કારણભૂત બન્યો

- ઝઘડામાં પિતાના હાથમાં રહેલું ધારિયું પુત્રવધૂ અને બાળકીને વાગી ગયું : ઉશ્કેરાયેલા દીકરાએ પિતાના માથામાં પાઈપ ફટકારી, પગ ભાંગી નાખ્યો : અમદાવાદ સારવાર બાદ બીજા દિવસે પિતાનું મૃત્યુ

નડિયાદ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે પુત્રએ અગાઉના ઝઘડાની અદાવત રાખી જીવલેણ હુમલો કરતાં પિતાનું મોત થયું છે. આ મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. તા. બીજી નવેમ્બરે આશાપુરા ખેતરમાં ફરિયાદીના ઘર આગળ આ બનાવ બન્યો હતો. પુત્રએ લોખંડની પાઇપ વડે પિતાને માર મારી હત્યા કરી દીધી હતી. 

કઠલાલ તાલુકાના સરાલી ગામના ફરિયાદીના પતિ કાનજીભાઇ ગાંડાભાઇ ચૌહાણ અને પુત્ર અશોક વચ્ચે અગાઉના ઝઘડાની અદાવત હતી. ઢોરોના પાણીના હોજ ભરવા જેવી નાની બાબતે પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બનાવના દિવસે પણ આ જ બાબતે તકરાર થઈ હતી. જેમાં પુત્ર અશોક ઉશ્કેરાઈ ગયો અને લોખંડની પાઇપ વડે પિતા કાનજીભાઇના માથામાં તથા ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચાડી, પગ ભાંગી નાખ્યો હતો. આ ઘટના સમયે ફરિયાદી મનુબેન બજારમાં ઘરનો સામાન લેવા ગયા હતા. તેઓ સાંજે ઘરે પરત ફર્યા ત્યારે પતિ કાનજીભાઇ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા હતા. પતિએ તેમને જણાવ્યું કે, અશોકે અગાઉના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન કાનજીભાઈના હાથમાં રહેલું ધારિયું અશોકની પત્ની અને દીકરીને વાગી ગયું હતું. જેથી અશોકે લોખંડની પાઇપ વડે કાનજીભાઇને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પત્ની અને પુત્રીને અશોક દવાખાને લઈ ગયો હતો, પરંતુ કાનજીભાઈને કોઈ દવાખાને લઈ ગયું ન હતું. બાદમાં ૧૦૮ મારફતે કઠલાલ સરકારી દવાખાને ત્યાંથી નડિયાદ સિવિલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

અમદાવાદ ખાતે માથે ટાંકા અને ભાંગેલા પગે પાટો બાંધવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કાનજીભાઇને તેમના સગાભાઈ જુગાભાઈના ઘરે અમદાવાદના નરોડા લઇ જવાયા હતા. બીજા દિવસે કાનજીભાઇને ઉલટી જેવું થવા સાથે ચક્કર આવતા તેઓએ બોલવાનું બંધ કરી દીધું અને અંતે તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને પગલે કાનજીભાઈના પત્નીએ પુત્ર અશોકભાઈ કાનજીભાઇ ચૌહાણ વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.