Gujarat

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત

By GS TEAM
15 Oct 20252 mins read
આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત

- હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું મકાન સોમવારે મોડી રાત્રે ધરાશયી થયું હતું

- 3 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશમાં ત્રણ જેસીબી, બે ફાયર ફાઇટર, ૩૦ ફાયર બ્રિગેડના જવાનોની મદદ લેવાઈ હતી

ભાવનગર : ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારના ગુણાતીતનગર પાસે આવેલ હાઉસિંગ બોર્ડના ત્રણ માળનું મકાન ગત મોડી રાત્રિના સમયે અચાનક ધરાશયી થઈ ગયું હતું. આ ઘટની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ સ્ટાફ સ્થળ પર દોડી ગયો અને મકાન તળે દબાયેલા ત્રણ લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી હતી. જ્યારે જેસીબીની મદદ વડે કાટમાળ તળે દબાયેલા આધેડને જીવિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને યુવાનને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયો ત્યારે યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો.

શહેરના આનંદનગર વિસ્તારના ગુણાતીતનગર પાસે આવેલ હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું મકાન ગત મોડી રાત્રિના ૧૧.૧૫ કલાકના સમયે અચાનક ધરાશયી થયું હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા સાથેજ ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને ધરાશયી થયેલ કટમાલ તળે બે લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે ફાયર બ્રિગેડ સ્ટાફે ત્રણ જેસીબીની મદદ લઈ રેસ્ક્યું કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે પોતાની પાસે રહેલા ઇક્વિપમેન્ટથી દબાયેલા બે લોકોને લોકેટ કરી જેસીબી વડે કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. તેવામાં કાટમાળ તળે દબાયેલા શામજીભાઈ ધનજીભાઈ બારૈયા (ઉ.વ ૫૧) અને તેનો પુત્ર કરણભાઈ શામજીભાઈ બારૈયા (ઉ.વ ૨૧)નું  રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કારણભાઈનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઓપરેશન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.

ઉપરના માળે ફસાયેલા બાળક સહિત 6 લોકોને બચાવી લેવાયા

શહેરના આનંદ નગર વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણ માળનું અડધા ભાગનું મકાન ધરાશાયી થયું હતું. બાજુમાં આવેલા ઉપરના માળમાં એક બાળક બે મહિલા અને ૪ પુરુષ ફસાયા હતા. બાળક સહિત છ લોકોને ફાયર બ્રિગેડે રેસક્યૂ કરી આબાદ બચાવી લીધાં હતા અને તુરંત ભાવનગરની સર ટી. હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.