Get The App

રાજકોટમાં પુત્રીના પ્રેમિની હત્યામાં પકડાયેલા પિતાનો સિવીલમાં આપઘાત

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં પુત્રીના પ્રેમિની હત્યામાં પકડાયેલા પિતાનો સિવીલમાં આપઘાત 1 - image

પ્રિઝનર વોર્ડમાં ગળાફાંસો ખાઈ લીધો

સારણગાંઠની તકલીફને કારણે જેલમાંથી સિવીલમાં પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયા હતા

રાજકોટ: પોતાની પરિણીત પુત્રીને ઘરે મળવા આવેલા તેના પ્રેમિની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના ગુનામાં પકડાયેલા આરોપી રાજેન્દ્ર પોપટભાઈ રાઠોડ (ઉ.વ.૬પ)એ રાજકોટની સિવીલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્ર.નગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે. નિયમ મુજબ એસીપીને તપાસ સોંપાઈ છે. જેના દ્વારા કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે તપાસ શરૂ કરાઈ છે. 

પ્રાપ્ત માહિતી મુજબ રેલનગરના દર્શન વિલામાં રહેતાં રાજેન્દ્રભાઈ પીજીવીસીએલમાં નોકરી કરી નિવૃત થયા હતા. તેની પુત્રી કિરણના લગ્ન ઉપલેટા થયા હતા. જેને બે સંતાનો હતા. કિરણને ઉપલેટાના ઈસરા ગામે રહેતાં આસીફ ઈકબાલ સોરા (ઉ.વ.૩૦) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેને કારણે ઝગડા થતાં રાજકોટ પિતાના ઘરે રેલનગરમાં રહેવા આવી હતી. 

ગત જાન્યુઆરી માસમાં તેને પ્રેમિ આસીફ મળવા આવ્યો હતો. બંને હોલમાં બેઠા હતા ત્યારે અચાનક તેના પિતા રાજેન્દ્રભાઈ ઘસી આવ્યા હતા. જેણે આસીફને છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધો હતો. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી રાજેન્દ્રભાઈની ધરપકડ કરી તપાસના અંતે જેલહવાલે કરી દીધા હતા. 

જેલમાં છેલ્લા દસેક માસથી કાચા કામના કેદી તરીકે રહેલાં રાજેન્દ્રભાઈને સારણગાંઠની તકલીફને કારણે ગઈ તા.પના રોજ સિવીલમાં દાખલ કરાયા હતા. જયાંથી તેને પ્રિઝનર વોર્ડમાં રખાયા હતા. ઓપરેશન સિવીલમાં કરાવવું કે ખાનગી હોસ્પિટલમાં તેનો હજૂ નિર્ણય લેવાયો ન હતો. તે દરમિયાન આજે સવારે પ્રિઝનર વોર્ડમાં જ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. 

જે અંગે જાપ્તા પોલીસ પાર્ટીનો માણસ અજાણ રહ્યો હતો. જાણ થતાં પ્ર.નગર પોલીસમાં એન્ટ્રી કરાવી હતી. પોલીસે હવે ખરેખર કયા કારણથી આ આત્મઘાતી પગલું ભર્યું તે વિશે તપાસ હાથ ધરી છે. પ્રિઝનર વોર્ડમાં દાખલ કેદી ઉપર દેખરેખ રાખવા માટે જાપ્તા પાર્ટીના માણસો તહેનાત હોય છે. આમ છતાં આ બનાવ બનતાં ફરજ પરના જાપ્તા પાર્ટીના માણસની બેદરકારી છતી થઈ છે. જે અંગે પણ તપાસ કરાશે.