Get The App

'મારી પત્નીના ફોટા લોકોને કેમ બતાવે છે' તેમ કહી પિતા - પુત્રએ યુવકને ફટકાર્યો

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
'મારી પત્નીના ફોટા લોકોને કેમ બતાવે છે' તેમ કહી પિતા - પુત્રએ યુવકને ફટકાર્યો 1 - image

જંબુસર તાલુકાના બંગલાવગા ગામ ખાતે પરણિત મહિલાના ફોટા મોબાઇલમાંથી લોકોને બતાવવા મુદ્દે પરણીતાના પરિવારે યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ વેડચ પોલીસ મથકે નોંધાયો હતો. 

જંબુસર તાલુકાના બંગલાવગો ગામ ખાતે રહેતા યોગેશ ઉર્ફે નિત્યો પરમારએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા. 16 ઓગષ્ટના રોજ સાંજે મે બાઈક લઈ વગામાં કેનાલ પાસેથી ઘર તરફ જઈ રહ્યો હતો. તે વખતે ગામમાં જ રહેતા અમીન ઉમર ચૌહાણ અને તેના પુત્ર આરીફ અમીન ચૌહાણે મારી બાઇક ઉભી રખાવી હતી. અને "તું મારી પત્નીના ફોટા તારા મોબાઇલમાંથી લોકોને કેમ બતાવે છે" તેમ કહી બંનેએ મને તમાચો માર્યો હતો. ત્યારબાદ આ બંને પિતા પુત્ર મારા ઘરે આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ સમયે ઇબ્રાહીમ ઉંમર ચૌહાણ અને અલ્તાફ ગુલામ ચૌહાણ ડાંગ અને ધારિયું લઇ ઘસી આવ્યા હતા. જેથી આસપાસ રહેતા લોકો અને સંબંધીએ મધ્યસ્થી કરી મારો બચાવ કર્યો હતો. ચારેય શખ્સોએ મને તથા મારા પરિવારને અપશબ્દો કહી ધમકી આપી હતી કે, "હવે પછી કોઈને અમારી વહુના ફોટા બતાવ્યા છે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું". ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.