મગોડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર પિતા અને પુત્રીના મોત
ગાંધીનગર નજીક
ચિલોડા દહેગામ માર્ગ ઉપર
માણસાના બદપુરાથી દહેગામ નાંદોલ જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા દહેગામ માર્ગ ઉપર મગોડી પાસે બાઈક ઉપર જઈ રહેલા પિતા પુત્રી અને ભત્રીજીને અજાણ્યા વાહન ચાલક હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જે ગંભીર અકસ્માતમાં પિતા પુત્રીના મોત થયા હતા. આ ઘટના સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર
શહેરની સાથે આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ હિટ
એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે ચિલોડા દહેગામ માર્ગ ઉપર
મગોડી પાસે વધુ એક હિટ અને રનની ઘટનામાં બાઈક સવાર પિતા પુત્રીના મોત થયા હતા. જે ઘટના
સંદર્ભમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના કોટા ગામના વતની
વીનેશભાઈ ગલાભાઈ બામણીયા માણસા તાલુકાના બદપુરા ગામે ઘઉં વાઢવા માટે મજૂરી કામ કરી
રહ્યા હતા. આજે બપોરના સમયે તે અને તેમની પુત્રી ચાંદની તેમજ તેમની ભત્રીજી દક્ષાબેનને
લઈને દહેગામના નાંદોલ ખાતે રહેતા તેમના ભત્રીજાના ઘરે બાઈક ઉપર જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન ચિલોડા દહેગામ માર્ગ ઉપર મગોડી ગામ પાસે ખારી નદીના બ્રિજ ઉતરતા સમયે પૂર
ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક દ્વારા તેમના બાઇકને હડફેટે લેવામાં આવ્યું હતું
અને જે ગંભીર અકસ્માતમાં આ ત્રણેય વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જેથી આસપાસના વ્યક્તિઓ
એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. વીનેશભાઈના શરીરે ગંભીર ઇજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ
લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન તેમના પરિવારજનોને જાણ કરતા તેમની પત્ની લલીતાબેન ગાંધીનગર
સિવિલ પહોંચ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની પુત્રી ચાંદનીનો મોત થયું હોવાનું
બહાર આવ્યું હતું જ્યારે અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા તેમના પતિ વિનેશભાઈ પણ મોતને
ભેટયા હતા. જેથી તેમની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ
કરીને તેની શોધખોળ શરૃ કરી છે.