Gujarat

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા

By GS TEAM
18 May 20261 min read
રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા

કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક બર્નિંગ કાર મોતનું કારણ બની : ધૂમાડા નીકળવાની સાથેજ વિકરાળ આગ લાગતા બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો : પત્ની ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં દાખલ

જામ ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, એક સ્વિફ્ટ ફોરવ્હીલ કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં કારમાં સવાર પિતા અને પુત્રી આગની જ્વાળાઓમાં સપડાઈ જતા કરૂણ મોત નિપજ્યાં હતા, જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વલ્લભભાઈ સવદાસભાઈ સૂવા પરિવાર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રણજીતપુર ગામ પાસે અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા બાદ થોડી જ ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે કારમાં બેઠેલા વલ્લભભાઈ તથા તેમની દીકરી હિરલબેન બહાર નીકળી શકે તે પહેલાં જ આગની લપેટમાં આવી જતા બંનેના ઘટનાસ્થળે જ દાઝી જવાથી ભૂંજાઈને મોત નિપજ્યાં હતા.જયારે  વલ્લભભાઈની પત્ની સતીબેન ગંભીર રીતે દાઝી જતાં  સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.