Get The App

લીંબાયતમાં મોડીરાત્રે પાણીપુરી ખાતા પિતા-પુત્ર ઉપર ઘાતક હુમલો, પિતાનું મોત

રોડ પર પસાર થતી મહિલાને હુમલાખોર બે પૈકી એકનો ધક્કો લાગતા યુવાને તેને યે લુખ્ખે લોગ, તુમ લડકી કી છેડતી કરતે હો કહેતા હુમલો કરાયો

Updated: Feb 4th, 2022

GS TEAM

Google News
Google News
લીંબાયતમાં મોડીરાત્રે પાણીપુરી ખાતા પિતા-પુત્ર ઉપર ઘાતક હુમલો, પિતાનું મોત 1 - image

- રોડ પર પસાર થતી મહિલાને હુમલાખોર બે પૈકી એકનો ધક્કો લાગતા યુવાને તેને યે લુખ્ખે લોગ, તુમ લડકી કી છેડતી કરતે હો કહેતા હુમલો કરાયો

સુરત, : સુરતના પરવત ગામ રોડ પર ગત મોડીરાત્રે ભંગાર વીણવાનું કામ કરતો યુવાન પિતા અને મિત્ર સાથે પાણીપુરી ખાતો હતો ત્યારે રોડ પર પસાર થતી એક મહિલાને બે અજાણ્યા પૈકી એકનો ધક્કો લાગતા યુવાને તેને યે લુખ્ખે લોગ, તુમ લડકી કી છેડતી કરતે હો કહેતા બંનેએ થોડીવાર બાદ પરત આવી પિતા-પુત્ર પર હુમલો કરી આડેધડ ઘા ઝીંકતા તેના પિતાનું મોત નીપજ્યું હતું. જયારે તેને પણ ગંભીર ઇજા પહોંચી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં ગોડાદરા પરવત ગામ વિરદર્શન સોસાયટીની સામે રણછોડજી મંદિર ફળીયું ઘર નં.5 માં રહેતો 22 વર્ષીય યશવંત ઉર્ફે ચીરા શિવાભાઇ નિકુંમ ભંગાર વીણવાનું કામ કરે છે. ગતરાત્રે 8.30 વાગ્યે તે પિતા શિવાભાઈ અને મિત્ર નંદુ સાથે લિંબાયત પરવતગામ રોડ એક્સીસ બેંકના એટીએમ સામે પાણીપુરીની લારી પર પાણીપુરી ખાતા હતા ત્યારે ત્યાં રોડ પર પસાર થતી એક મહિલાને 25 થી 30 વર્ષના બે અજાણ્યા પૈકી આસમાની કલરની ટી-શર્ટ પહેરેલા યુવાનનો ધક્કો લાગ્યો હતો. આ જોઈને યશવંતે તે યુવાનને યે લુખ્ખે લોગ, તુમ લડકી કી છેડતી કરતે હો કહેતા બંને તેની પાસે આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. જે યુવાનનો ધક્કો મહિલાને લાગ્યો હતો તે આસમાની ટી-શર્ટ પહેરેલા યુવાને યશવંતને તુમ લોગ યહા પે હી ખડે રહો, હમ લોગ અભી આતે હૈ કહ્યું હતું અને બંને નજીકની ગલીમાં અંદર જતા રહ્યા હતા.

આથી યશવંતના પિતાને ડર લાગતા તેમણે ઘરે જવાનું કહેતા ત્રણેય ઘરે જતા હતા ત્યારે ઝઘડો કરનાર બંને પાછળથી આવ્યા હતા અને આસમાની ટી-શર્ટ પહેરેલા યુવાને યશવંતને પેટની ડાબી તથા કપાળના ભાગે ચપ્પુ મારતા યશવંતનો મિત્ર નંદુ ભાગી ગયો હતો. યશવંતને બચાવવા તેના પિતા વચ્ચે પડયા હતા અને બંને યુવાનના પગ પકડી લેતા યશવંત શંકરનગરની મેડીકલ વાળી ગલી તરફ ભાગ્યો હતો. આથી બંનેએ યશવંતના પિતાને આડેધડ ઘા મારવા લાગતા યશવંત પિતાને બચાવવા પાછો આવ્યો હતો. તે સમયે ફરી આસમાની ટી-શર્ટ પહેરેલા યુવાને ઇસકો ભી ખતમ કર ડાલો કહેતા બંને તેના પર ચપ્પુ લઈ તૂટી પડયા હતા અને તેના થાપાના ભાગે ત્રણ ચાર ઘા ઝીંકી દીધા હતા. બનાવને પગલે લોકો ભેગા થતા બંને ભાગી ગયા હતા.

લીંબાયતમાં મોડીરાત્રે પાણીપુરી ખાતા પિતા-પુત્ર ઉપર ઘાતક હુમલો, પિતાનું મોત 2 - image

બંનેએ કરેલા હુમલામાં યશવંતના પિતા શિવાભાઈને ગળાના, છાતીના, પેટના, બંને હાથના, ડાબા પગના ઘૂંટણના ભાગે 15 જેટલા ઘા મારતા ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે યશવંતને પાંચ ઘા મારતા ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસે યશવંતની ફરિયાદના આધારે હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી બંને હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.